બનાસકાંઠાના ડુંગરાળ વિસ્તારોમાં હેન્ડપંપ રિપેર કરવા માટે ચાર ટીમોને કામે લગાડાઈ

શેર કરવા અહીં ક્લિક કરો.

  ડીસા બનાસકાંઠાના અંતરિયાળ ડુંગરાળ વિસ્તારોમાં પીવાના પાણીની તંગી નિવારવા હેન્ડપંપ રિપેરીંગ માટે ચાર ટીમોને કામે લગાડાઈ છે. જિલ્લામાં કુલ ૧૮ જેટલી વિવિધ જૂથ પાણી પુરવઠા યોજનાઓ હેઠળ ૧૧૦૫ ગામોને આવરી લેવાયા છે. જે પૈકી ૬૯૩ ગામોમાં અને ૯ શહેરોમાં પીવાનું પાણી પૂરું પડાય છે. સ્વતંત્ર પાણી પુરવઠા યોજનાઓમાં ૧૨૨ ગામો અને ૩ શહેરોનો પણ સમાવેશ કરાયો છે.જિલ્લાનો ઉત્તર પૂર્વ વિસ્તાર ખડકાળ હોઇ આ વિસ્તારમાં ઉંડા બોર શકય ન હોઇ પાણી માટે સાદા કુવા અથવા હેન્ડપંપ જેવા પરંપરાગત સ્ત્રોત પર આધાર રાખવો પડે છે.આવા વિસ્તારોમાં હાલ પીવાના પાણી માટે કુલ ૬,૩૮૩ હેન્ડપંપ ગ્રામ્ય વિસ્તારોમાં અને ૭૩ હેન્ડપંપ અંબાજી મુકામે કાર્યરત છે. હેન્ડપંપ રિપેરીંગ માટે જિલ્લામાં ૪ ટીમો કાર્યરત છે.જયાં હેડપંપ બંધ છે તેવા વિસ્તારોમાં ટેન્કરથી પાણી આપવામાં આવે છે. પાણી પુરવઠા બોર્ડની કચેરી પાલનપુર દ્વારા પીવાના પાણીની તંગી નિવારવા માટે ૧૫.૨૦ કરોડ રૂપિયાનો ખાસ કન્ટીજન્સી પ્લાન બનાવી પાણીની મુશ્કેલી થઇ શકે તેવા ૧૪૧ ગામો માટે વિશેષ આયોજન કરાયું છે.તે અનુસાર ૬૩ ગામોમાં રૂ. ૯.૧૩ કરોડના ખર્ચથી ઉંડા પાતાળ કુવા બનાવવા, ૫૭ ગામોમાં ૨૯ જેટલા ટેન્કરોથી પાણી પુરૂ પાડવું, ૧૮ ગામોમાં વ્યક્તિગત જરૂરીયાત મુજબ પાણી પુરૂ પાડવું, ૧૩ ગામોની જૂથ યોજનામાં જરૂરી સુધારા કરીને પાણીની વ્યવસ્થા જાળવવામાં આવનાર છે

શેર કરવા અહીં ક્લિક કરો.