બનાસકાંઠા જિલ્લામાં કોવિડ- ૧૯ની પરિસ્થિતિ સંદર્ભે ભવિષ્યની કોઇપણ સ્થિતિને પહોંચી વળવા તંત્રને એલર્ટ રહેવા રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપી હતી. પાલનપુરની મુલાકાતે આવેલા રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેકટર કચેરી ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે કોરોના સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઇ હતી.
રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રની કામગીરીને બિરદાવતાં જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ની પરિસ્થિતિમાં નાના કર્મચારીઓથી લઇ જિલ્લા કક્ષાના અધિકારીઓ સુધી ખુબ સરસ કામગીરી કરી રહ્યા છે. આવી જ રીતે આગળના સમયમાં પણ કરતા રહેશો તો કોરોના સંક્રમણને ફેલાતું અટકાવી શકાશે. તેમણે સઘન સર્વેલન્સ પર ભાર મુકતાં જણાવ્યું કે જે વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે તેવા વિસ્તારો, શહેરો અને ગામડાઓમાં સઘન સર્વેલન્સ ચાલુ રાખી તે વિસ્તારમાં કોઇ શંકાસ્પદ દર્દી જણાય તો તાત્કાલીક તેને સારવાર મળે તેની ખાસ કાળજી રાખીએ. લોકો જાહેરમાં થૂંકે નહીં, માસ્ક પહેરવાની આદત પાડે તે માટે માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થૂંકનાર પાસે દંડ વસૂલવા સહિતના કડક પગલાં લેવા તેમણે જણાવ્યું હતું. મુખ્ય સચિવએ જણાવ્યું કે, કોરોના દર્દીઓનો મૃત્યુદર ઘટાડવા તમામ પ્રયાસો કરીએ. બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. મનીષ ફેન્સીએ બનાસકાંઠા જિલ્લાનાની વર્તમાન કોવિડ-૧૯ની સ્થિતિ વિશે માહિતી આપતાં જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ-૧૧,૮૬૯ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જેમાંથી ૧૧,૧૫૨ લોકોના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. જયારે ૪૦૮ લોકોના રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યા છે. અત્યારે  બનાસ મેડીકલ કોલેજ સંચાલિત પાલનપુર સીવીલ હોસ્પીટલમાં ૩૫, ડીસા ગાંધીલિંકન ભણશાળી કોવિડ હોસ્પીટલમાં ૨૪, અમદાવાદ-૧૪, અન્ય-૩ અને હોમ આઇસોલેશનમાં ૬૭ એમ મળી કુલ- ૧૪૩ કોરોના પોઝીટીવ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી ૧૨૨ સ્ટેબલ છે. ૧ દર્દી વેન્ટીલેટર પર છે. ૨ બાયપેપ છે અને ૧૮ દર્દીઓ ઓક્સિજન ઉપર છે. જિલ્લામાં કોરોના પોઝીટીવ પૈકી અત્યાર સુધી ૨૧ કમનસીબ દર્દીઓના મૃત્યુ થયા છે અને ૨૪૪ વ્યક્તિઓએ કોરોનાને હરાવતા તેઓને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે જિલ્લામાં અત્યારે ૧૪૩ કોરોના પોઝીટીવ એક્ટીવ કેસ છે. જિલ્લામાં ૨૦,૦૦૫ વ્યક્તિઓનું કોન્ટેક્ટ ટ્રેસીંગ કરાયું છે. બેઠકમાં જિલ્લાના પ્રભારી સચિવ અરૂણકુમાર સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયા, જિલ્લા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ, આસી. કલેકટર પ્રશાંત ઝિલોવા, નિવાસી અધિક કલેકટર એલ.બી.બાંભણીયા સહિત અધિકારીઅો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : જયંતિ મેતિયા
Contribute Your Support by Sharing this News: