પત્રકાર સત્તા પર હોય તેના કાન પકડે…..અને હાલમાં ભાજપ સત્તા ઉપર છે

શેર કરવા અહીં ક્લિક કરો.

શ્રેયાંસ શાહને મોદી વિરોધી કહેનારા કદાચ 1985માં ઘોડીયામાં ઉછરી રહ્યા હશે જેના કારણે તેમના જ્ઞાનના અભાવનો ફાયદો નેતાઓ ઉપાડે છે, શ્રેયાંસ શાહ જન્મે ભલે વણિક હોય પણ તેમનું કાળજુ ક્ષત્રિયનું છે, તેમના લડવાની હામ અને તૈયારીઓ બંને છે.

(પ્રશાંત દયાળ)
1997-1998ની વાત છે. ત્યારે હું સંદેશ અખબારમાં નોકરી કરતો હતો. આ વખતમાં ગુજરાત સમાચાર અને સંદેશ અત્યંત સામે છેડે બેસી એકબીજા સાથે વ્યવહાર કરતા હતા. કોઈ એકબીજાને બક્ષી દેવાના મુડમાં ન્હોતા. ગુજરાત અને સંદેશ એકબીજાની વિરૂધ્ધમાં ભરપુર લખતા હતા. એક ઘટના ઘટી. હું સંદેશમાં નોકરી કરતો હોવાને કારણે સ્વભાવીક રીતે મને સંદેશ તરફથી મળેલી સુચના પ્રમાણે જ કામ કરવાનું હતું અને મે તેવુ જ કર્યુ. બીજા દિવસે ગુજરાત સમાચારે મને ખાસ્સી મોટી જગ્યા ફાળવી અને મારા માટે લખ્યુ કે પ્રશાંત દયાળ જાણિતો ગુંડો છે. ત્યારે મને ખરાબ પણ લાગ્યુ અને ગુસ્સો પણ આવ્યો. હું ગુજરાત સમાચારના માલિક શ્રેયાંસ શાહ સહિત કોઈ પણ માલિકને ત્યારે વ્યકિગત મળ્યો ન્હોતો અને અમારે એકબીજા સાથે વ્યકિતગત પણ કોઈ વાંધો ન્હોતો. છતાં મારા અંગે જે કંઈ લખાયુ તેનાથી હું ખાસ્સો નારાજ હતો.
પણ સમય આગળ ચાલ્યો અને મારી સમજ પણ બદલાઈ. જે વાતનો મને ગુસ્સો હતો એટલા જ કારણો મારી વિરૂધ્ધ લખવાના ગુજરાત સમાચાર પાસે હતા. ગુજરાત સમાચારે પુલવાના હુમલા પછી 56ની છાતીની કાયરતા લખી અને ચારેબાજુથી બધા શ્રેયાંસ શાહ ઉપર તુટી પડ્યા. જાણે તેમણે ઘોર અપરાધ કરી દીધો હોય. અહિંયા એક સ્પષ્ટતા કરુ કે ગુજરાત સમાચારના માલિક શ્રેયાંસ શાહને હું માલિક તરીકે પસંદ કરતો નથી, જેમ બધાની હોય તેમ તેમની પણ અનેક મર્યાદાઓ છે( જો કે મને પણ ગુજરાતના તમામ અખબાર માલિકો અને તંત્રીઓ પસંદ કરતા નથી તે જુદો વિષય છે.) આમ છતાં મારી અને શ્રેયાંસ શાહની પહેલી મુલાકાત 2015માં થઈ હતી. ત્યારે મને દિવ્ય ભાસ્કરે મારી વ્યવહારીક મર્યાદાઓના અભાવે મને કાઢી મુકયો હતો અને મારે નોકરીની જરૂર હતી એટલે મેં તમામ અખબાર માલિકોને મળવાનો નિર્ણય કર્યો હતો. જેમાં શ્રેયાંસ શાહને પણ મળવા ગયો હતો. જો કે તેમણે મને તમે તો બહુ મોટા પત્રકાર છો તેમ કહી સારા શબ્દોમાં નોકરી આપવાની ના પાડી હતી.
મને બહુ જલદી સમજાઈ ગયુ કે મારા ખાસ લક્ષણોને કારણે મને હવે ગુજરાતના કોઈ અખબારો નોકરી આપશે નહીં, એટલે અહિંયા શ્રેયાંસ શાહ અને ગુજરાત સમાચારના હેડિંગને ટેકો આપવાને કારણે મને કોઈ દેખીતો લાભ થશે તેવુ માની લેવાની કોઈએ ભુલ કરવાની જરૂર નથી. મેં પહેલા પણ કહ્યુ કે માલિક તરીકે શ્રેયાંસ શાહ મારી દ્રષ્ટીએ મીસફીટ હોવા છતાં પત્રકાર તરીકે ગુજરાતના માલિક કમ તંત્રીઓ છે તેમાં તમારે તેમને પહેલા ક્રમે બેસાડવા પડે. શ્રેયાંસ શાહ કયારેય પત્રકારત્વની કોઈ કોલેજમાં ભણ્યા હોય તેવી જાણકારી મારી પાસે નથી. છતાં પત્રકારત્વમાં તેમને ગણથુંથીમાં મળ્યુ છે. મોડી રાતે ગુજરાતના કોઈ પણ તંત્રીને ઉંઘમાં જગાડી હેડિંગ લખવાનું કહો અને સૌથી પહેલા અને ઉત્તમ હેડિંગ લખી શકે તેનું નામ શ્રેયાંસ શાહ છે. શ્રેયાંસ શાહ નરેન્દ્ર મોદીના વિરોધી છે તેવુ જે લોકો માને છે. કદાચ તેમની શારિરીક ઉમંર નાની હશે તેવુ હું માની લઈ છુ કદાચ 1985માં શ્રેયાંસ શાહનો વિરોધ કરનાર ઘોડીયામાં ઉછરી રહ્યા હશે.
હાલમાં વિવિધ મુદ્દે નરેન્દ્ર મોદી જાટાકણી કાઢતા શ્રેયાંસ શાહ 1985માં કોંગ્રેસની સરકાર અને તેના મુખ્યપ્રધાન માધવસિંહ સોંલકી વિરૂધ્ધ હાલમાં જે લખાઈ રહ્યુ છે તેના કરતા કડક લખતા હતા. પણ મોદી પ્રેમીઓની ત્યારે ઉંમર નાની હોવાને કારણે ગુજરાત સમાચારે કોંગ્રેસ અને માધવસિંહ વિરૂદ્ધ કેટલુ લખ્યુ તેની ખબર અને સમજ બંને નથી. જેમની ઉંમર હમણા ત્રીસ વર્ષની છે તેમને કોંગ્રેસનું શાસન અને કોગ્રેસના શાસન સામે રિપોર્ટીંગ કરતા પત્રકારો અને તંત્રીઓને જોયા જ નથી. જેના કારણે તેમના જ્ઞાનના અભાવનો ફાયદો નેતાઓ ઉપાડે છે અને સમજાવે છે કે જુઓ પત્રકારો નરેન્દ્ર મોદી વિરૂધ્ધ કેટલુ લખે છે. કોંગ્રેસ સામે સતત રિપોર્ટીંગ કરવાને કારણે 1985માં ગુજરાત સમાચારને આગ ચાંપી દેવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસીઓ માનતા હતા કે ગુજરાત સમાચાર અને તેના માલિકો હવે ખતમ થઈ ગયા છે. પણ વણિક પરિવારમાં જન્મે શ્રેયાંસ શાહ જન્મે ભલે વણિક હોય પણ તેમનું કાળજુ ક્ષત્રિયનું છે, તેમના લડવાની હામ અને તૈયારીઓ બંને છે.
ગુજરાત સમાચાર સળગીને રાખ થઈ ગયા પછી ફરી પાછુ ઉભુ થયુ તે પાછુ પોતાના અસ્સલ મીજાજમાં. ગુજરાતમાં 1995થી ભાજપની સરકાર આવી, પત્રકારનો ધર્મ જે સત્તા ઉપર તેનો કાન પકડવાનો હવે ભાજપ સત્તા ઉપર હોય તો ભાજપનો જ કાન પકડાય આ વખતે પત્રકારોનો વિરોધ કરનાર ભુલી જાય છે તેઓ સવાલ પુછે કે તમે તો કોંગ્રેસ સામે કંઈ લખતા જ નથી. અરે ભાઈ કોંગ્રેસ સત્તા ઉપર હતી ત્યારે તેમના વિરૂધ્ધ લખતા હતા અને કોંગ્રેસ સત્તા ઉપર આવશે ત્યારે ફરી લખીશુ. હાલમાં ભાજપ સત્તા ઉપર છે પણ કોંગ્રેસ સામે લખવાનો તર્ક તો સમજાવો, વાત શ્રેયાંસ શાહની આમ તો તે શેઠ માણસ છે તેમને પોતાના ધંધાનો નફો નુકશાન બીજા શેઠ કરતા વધુ સમજાય છે. ગુજરાતમાં છેલ્લાં બે દાયકાથી ભાજપનું શાસન છે. ગુજરાત સમાચાર શાસનની વિરૂધ્ધ લખે છે. મઝાની વાત તો એવી છે કે જેઓ ગુજરાત સમાચારના વાંચકો છે, તેમાના ઘણા બધા મતદાનના દિવસે કમળનું બટન દબાવતા હશે. આમ ગુજરાત સમાચારના વાંચકને નરેન્દ્ર મોદી અને ભાજપ પણ પસંદ છે.
પણ તે વાંચક માને છે કે અમે ભલે નરેન્દ્ર મોદી અને ભાજપને મત આપીએ પણ તમારે તો ભાજપની વિરૂધ્ધ જ લખવાનું કારણ તમારૂ કામ શાસન અને શાસકનો કાન પકડવાનો છે. અને તમે લખતા રહો, આ જ કારણે જે ગુજરાતમાં મતદારો નરેન્દ્ર મોદીને પસંદ કરે છે તે મતદાર જયારે વાંચક થઈ જાય ત્યારે ગુજરાત સમાચારને પસંદ કરે છે. કારણ તે નેતા તરીકે મોદીને અને અખબાર તરીકે ગુજરાત સમાચરને પસંદ કરે છે. એટલે નાહક શ્રેયાંસ શાહને ફોન કરી તમારો સમય બગાડશો નહી અને ગુજરાત સમાચારનો બહિષ્કાર કરો તેવા મેસેજ મોકલી તમારૂ મન કડવુ કરશો નહીં કારણ મતદાર અને વાંચકને પણ પોતાનો નફો નુકશાન સારી રીતે ખબર છે. ગુજરાત સમાચાર એક પ્રોડક્ટ છે. જેમ તમને કોઈ ફિલ્મ પસંદ પડે નહીં તો તમે તેના ડિરેક્ટર અથવા પ્રોડ્યસરને ફોન કરી ગાળો આપતા નથી, તમને ગુજરાત સમાચાર પસંદ ના પડે તો એક દિવસ વહેલા ઉઠી ફેરીયો આવે તેને કહેજો કે ભાઈ ગુજરાત સમાચાર હવે નાખતો નહીં અને જય જીનેન્દ્ર કહી વાત પુરી કરજો.

શેર કરવા અહીં ક્લિક કરો.