“ધાનેરા શહેર, દાંતીવાડા અને ડીસા તાલુકાના ગામોમાં જળ સંચયના કામોનું નિરીક્ષણ કરતાં મંત્રીશ્રી પરબતભાઈ  પટેલ. 

 પાલનપુર)

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં રેલ નદી ઉંડી કરવાની કામગીરી, દાંતીવાડા તાલુકાના ચોડુંગરી ગામે તળાવનું કામ અને ડીસા તાલુકાના પમરૂ ખાતે સિંચાઇ અને પાણી પુરવઠા મંત્રીશ્રી પરબતભાઇ પટેલે સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત ચાલતા તળાવોના કામોનું નિરીક્ષણ કર્યું હતું. સીપુ ડેમ ખાતે મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને સિંચાઇ વિભાગના અધિકારીઓની બેઠક યોજાઇ હતી જેમાં બનાસકાંઠા જિલ્લામાં ચાલતાં જળ સંચયના કામોની સમીક્ષા કરવામાં આવી હતી.

આ પ્રસંગે મંત્રીશ્રી પરબતભાઇ પટેલે જણાવ્યું કે તા.‍ ૧ લી મે થી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં વિરાટ પાયે જળસંચય અભિયાન  શરૂ કરવામાં  આવ્યું છે. આ અભિયાન થકી ગામના તળાવો, નદીઓના વહેણ, ડેમની સપાટી ઉંડા કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. મંત્રીશ્રીએ કહ્યું કે સ્વૈચ્છિક સંસ્થાઓ અને એન.જી.ઓ.ની ભાગીદારીથી વિશાળ પાયે જળસંચયના કામો કરવામાં આવી રહ્યા છે. તેમણે ઉમેર્યુ કે આ અભિયાન તા. ૩૧ મે સુધી અવિરતપણે ચાલશે.

મંત્રીશ્રી પરબતભાઇ પટેલે કહ્યું કે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને અત્યારે આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ નર્મદા બંધની ઉંચાઇ વધારી ગુજરાતમાં પાણીની કાયમી અછત દૂર કરી છે. તેમણે લોકોને અનુરોધ કરતાં જણાવ્યું કે સારા કામમાં સરકારની સાથે રહી સૌના સાથથી સૌનો વિકાસ કરીએ. મંત્રીશ્રીએ કહ્યું કે ખેડુતોના ભલા માટે આ સરકાર કામ કરી રહી છે. ગામના તળાવો, ચેકડેમો અને નદીઓના વહેણ ઉંડા થવાથી સિંચાઇ ક્ષેત્રે ખેડુતોને ફાયદો થશે. તેમણે કહ્યું કે રાજય સરકારે માર્ગ અકસ્માતમાં ઘાયલને સારવાર માટે રૂ. ૫૦ હજારની સહાય આપવાની જાહેરાત કરી છે. તેમણે ઉમેર્યુ કે રૂ. ૬ લાખ સુધીની આવક ધરાવતાં સિનિયર સીટીઝનોની સારવારનો ખર્ચ રાજય સરકાર ઉપાડશે.

મંત્રીશ્રી પરબતભાઇ પટેલે પાણીનું મહત્વ સમજાવતાં જણાવ્યું કે પશુ, પક્ષી, માણસ કે કોઇપણ જીવસૃષ્‍ટિનું અસ્તિત્વ પાણી વિના શક્ય જ નથી ત્યારે પાણીના મહત્વને સમજી જળ અભિયાનરૂપી મહાન લોકસેવાના આ કાર્યમાં આપણે સૌ સાથે મળી જળ અભિયાનને સફળ બનાવીએ. તેમણે કહ્યું કે પાણીને પ્રભુનો પ્રસાદ સમજી તેનો વિવેકપૂર્વક ઉપયોગ અને જળ સંચય કરીએ. તેમણે જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં નર્મદાના નીર અને સુજલામ સુફલામ યોજનાથી જિલ્લાના પશ્વિમ વિસ્તારમાં હરિયાળી પથરાઇ છે. બનાસકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં તળાવો, ચેકડેમો ઉંડા કરવાનું અને નદીઓનું  ડીશિલ્ટિંગ કરવાનું કામ ચાલે છે. કેન્દ્ર સરકાર દ્વારા ચોડુંગરી ગામને ૧૦૦ ટકા શૌચાલય માટે એવોર્ડ મળતાં મંત્રીશ્રીએ ચોડુંગરી ગ્રામ પંચાયતના સરપંચશ્રીને અભિનંદન પાઠવી શાલ ઓઢાડી સન્માન કર્યુ હતુ.

મંત્રીશ્રીના આ કાર્યક્રમ પ્રસંગે બનાસ ડેરીના ડિરેકટરશ્રી પી.જે.ચૌધરી, અગ્રણીઓ સર્વશ્રી નાગજીભાઇ જેગોડા, શ્રી વસંતભાઇ પુરોહિત, શ્રી જગદીશભાઇ પટેલ, શ્રી જીતુભાઇ બોકા, શ્રી મેરૂજી ધુંખ, શ્રી નટુભાઇ ચૌધરી, સિંચાઇના આસી.ઇજનેરશ્રી એ.કે.ગાંધી અને શ્રી ગઢવી, સરપંચશ્રીઓ, ગામના અગ્રણીઓ અને સારી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Contribute Your Support by Sharing this News: