બનાસકાંઠા : બનાસકાંઠામાં ધાનેરા પાસે આવેલી નેનાવા ચેકપોસ્ટ પરથી આજે એક પિસ્તોલ સાથે બે પરપ્રાંતીય શખ્સો ઝડપાયા છે. વાહન ચેકિંગ દરમિયાન સ્વિફ્ટ કારની તલાશી લેતા એક પિસ્તોલ અને બે જીવતા કારતુસ મળી આવતા ધાનેરા પોલીસે 3.30 લાખ રૂપિયાના મુદ્દામાલ સહિત બે રાજસ્થાનીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.ધાનેરાની નેનાવા ચેકપોસ્ટ પરથી આજે વધુ એક વાર દેશી બનાવટની પિસ્તોલ સાથે બે પરપ્રાંતીય શખ્સો ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં ધાનેરા પોલીસ આજે વાહન ચેકિંગમાં હતી તે સમયે રાજસ્થાન તરફથી આવી રહેલી એક સ્વીફ્ટ કાર શંકાસ્પદ જણાતા તેને થોભાવી તલાશી લીધી હતી. તલાશી દરમ્યાન કારમાંથી દેશી બનાવટની એક પિસ્તોલ સહિત 3 જીવતા કારતૂસ મળી આવ્યા હતા.જેથી પોલીસે તરત જ પિસ્તોલ, કારતુસ અને ગાડી સહિત કુલ 3.30 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે રાજસ્થાનના સાંચોરના રહેવાસી સમુંદરસિંહ મદનસિંહ રાવ અને નરપતસિંહ ચંડીદાનસિંહ રાવની અટકાયત કરી ધાનેરા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.


