બનાસકાંઠા જિલ્લો વન વિસ્તારથી ઘેરાયેલો જિલ્લો છે. અને અહીં વન્ય જીવો અવાર નવાર રહેણાંક વિસ્તારમાં આવી જતાં હોય છે. જોકે કેટલાક સમયથી બનાસકાંઠા જિલ્લામાં દિપડો ફરતો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે આજે એકાએક દિપડો ધાનેરાના નાનાબેડા ગામના ખેતરોમાં આવી પહોંચ્યો હતો.

આ પ્રાણી સોમવારે વહેલી સવારે ધાનેરાના નાનાબેડા ગામના ખેતરોમાં નદી માર્ગે ઘુસ્યો હતો. જેથી ખેતરમાં કામ કરી રહેલ ગ્રામજનોને જાણ થતાં અફડા-તફડી મચી જવા પામી હતી. જેમાં એક વનકર્મી સહિત ત્રણ લોકો પર દિપડાએ હૂમલો કર્યો હોવાનું જાણવા મળી રહ્યં છે. તાત્કાલિક ધોરણે ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ત્યાં વનકર્મીઓ આવી પહોંચ્યા હતા. અને વનતંત્રની રેસ્ક્યુ ટીમ હાલમાં દિપડાને પકડવા કામે લાગી છે. હાલમાં પણ આ હિંસક પ્રાણી ગામના ખેતરોમાં જ હોવાથી ગામલોકોમાં ભય ફેલાઈ જવા પામ્યો છે.

ધાનેરા આર.એફ.ઓ. શુ કહે છે?

આ બાબતે ધાનેરા આર.એફ.ઓ. ગઢવીએ જણાવ્યું હતું કે, દિપડાને પકડવા વનતંત્રની રેસ્ક્યુ ટીમ કામે લાગી છે. ખેતરોમાં પાંજરા ગોઠવાયા છે. અને આ સમગ્ર રેસ્ક્યુમાં વન વિભાગના મહેન્દ્રસિંહ નામના કર્મી સહિત ત્રણ લોકો પર દિપડાએ હૂમલો કરતાં ઘાયલ થયા છે.

Contribute Your Support by Sharing this News: