garvi takat.સોમવારે રાત્રે 11:30ના સુમારે GMDC ખાતે ઊભી કરવામાં આવેલી ધન્વંતરિ કોવિડ સ્પેશિયલ હોસ્પિટલની એક ઘટના સામે આવી છે. હોસ્પિટલના હાઉસકીપિંગ સ્ટાફના જણાવ્યા મુજબ, તેઓ ICUમાં પોતાની ફરજ બજાવતા હતા. તેઓએ પોતાનું કામ પૂરું કરીને જમવા જવાનું કહ્યું, કોન્ટ્રાક્ટર અને સુપરવાઈઝર વિશાલે તેને જમવા જવાની ના કહેતા મામલો બીચક્યો હતો. GMDC ખાતે 900 બેડની ધન્વંતરિ હોસ્પિટલ હજુ 20% પણ શરૂ નથી થઈ ત્યાં હાઉસ કીપિંગના કોન્ટ્રાક્ટરની દાદાગીરીનો એક કિસ્સો સામે આવ્યો છે. જ્યારે એકબાજુ ટોચની મેનેજમેન્ટ ટીમના અધિકારીનું કહેવું છે કે, હોસ્પિટલ સંપૂર્ણ ચાલું નહીં કરી શકવાના કારણમાં એક કારણ સ્ટાફની અછત પણ છે. તેવામાં કોન્ટ્રાક્ટર દ્વારા સ્ટાફના માણસો સાથે જ આવો વ્યવહાર કેટલો યોગ્ય છે?
વિશાલ ઉપર આરોપ મૂકતા સ્ટાફના કર્મચારી પ્રવીણે જણાવ્યું હતું કે, વિશાલે દારૂના ચકચૂર નશામાં મને માતા-બેન સામે અપશબ્દો બોલી અને માર માર્યો હતો. ફરજ પર બંદોબસ્તમાં રહેલી પોલીસે વચ્ચે પડી તેને છોડાવ્યો હતો. હાઉસ કીપિંગ સ્ટાફના લગભગ દસેક કર્મચારીને ભાડુ કે ભથ્થું આપ્યા વગર હોસ્પિટલની બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના ત્યાંના CCTVમાં કેદ થઈ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
પ્રવીણના જણાવ્યા મુજબ બહાર નીકળી ગયા પછી વિશાલે પ્રવીણને ફોન કરીને મારવાની ધમકી આપી હતી. જેથી ગભરાઈ ગયેલા પ્રવીણે આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી હતી અને પોલીસે બે દિવસમાં FIR કરવાનું જણાવ્યું છે. પોતાની વ્યથા જણાવતા તેઓએ કહ્યું હતું કે, અમે લગભગ સાડા અગિયાર વાગ્યાના બહાર ઊભા છીએ, જમવાનું પણ બાકી છે. અમારી પાસે પૈસા પણ નથી કરફ્યૂના સમયમાં અમે ઘરે કેવી રીતે જઈએ?
સ્ટાફે જણાવ્યું હતું કે, વિશાલ એક વગદાર અને પૈસાદાર વ્યક્તિ છે, એટલે અમને ડર લાગે છે. વિશાલની પાસે આ સિવાય પણ ઘણી સરકારી હોસ્પિટલના હાઉસ કીપિંગના કોન્ટ્રાકટ છે અને રસ્તા પરના ડિવાઈડરની સફાઈના કોન્ટ્રાકટ પણ તેની પાસે છે.
આ સમગ્ર મામલે વિશાલ સાથે વાત કરતા આ સમગ્ર હકીકત ખોટી હોવાનું તેમણે જણાવ્યું હતું અને પોતે નોકરી કરે છે, કોન્ટ્રાકટ કોઈ બીજી જ ખાનગી કંપનીનો હોવાનું જણાવ્યું હતું. પરંતુ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર ઓનપેપર માલિક બીજા કોઈ હોઈ શકે અને ઓફ ધી રેકોર્ડ વિશાલ માલિક હોઈ શકે. જોકે તે પણ તપાસનો વિષય છે. હાલની સ્થિતિએ જોવા જઈએ તો કોવીડ દર્દીઓ સાથે કામ કરે તેવા એક એક વ્યક્તિની જરૂર છે, ચાહે તે કોઈ જ્ઞાની ડોક્ટર કે સાયન્ટીસ્ટ હોય કે પછી સ્વીપર કે બેડ બનાવનાર મજુર હોય. એક એક હાથ સાથે મળીને જ આ મહામારી સામે લડી શકાય તેમ છે પરંતુ આવા સમયે સ્ટાફ સાથે અભદ્ર વ્યવહાર થાય તો તે પણ એક મોટી મુશ્કેલી સર્જે છે.