નવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના કેસોમાં ફરી એક વાર રેકોર્ડ વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાની સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. દેશમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બની રહી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 3,60,960 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં સતત સાતમા દિવસે કોરોનાના ત્રણ લાખથી વધુ નવા કેસો નોંધવામાં આવ્યા છે. જોકે આમ સતત 11મો દિવસ છે, જ્યારે દેશભરમાં કોરોનાના અઢી લાખથી વધુ કેસ નોંધવામાં આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3293 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,79,97,267 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 2,01,187 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,48,17,371 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 2,61,162 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 29,78,709 પહોંચી છે. રિકવરી રેટ વધીને 82.33 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.12 ટકા થયો છે.

દેશમાં 14.78 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 14,78,27,367 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 25,56,182 લોકોને રસી આપવામાં આવી હતી.

.

Contribute Your Support by Sharing this News: