રાજ્ય સરકાર દ્વારા ગરીબ લાભાર્થીઓને રહેવા માટે મકાન બનાવી આપવા માટેની યોજનાઓ અમલી બનાવાઈ છે પરંતુ કેટલાક લોકો સરકાર સાથે છેતરપીંડી આચરીને આવા લાભો લઈ લેતા હોય છે તેમાં થરામાં ખોટા એકરારનામા કરીને પાકા મકાન ધરાવતા લોકોએ મકાન સહાયનો હપ્તો લઈ લાભ લેતા આ બાબતે ભાંડાફોડ થતા સરકાર સાથે વિશ્વાસઘાત કરી છેતરપીંડી આચરવા અંગેની ફરીયાદ થરા પોલીસ મથકે નોંધાવા પામી છે.
ઉપરોક્ત બનાવની વિગત એવી છે કે થરા નગરપાલિકામાં ઈજનેર તરીકે ફરજ બજાવતા લાલાભાઈ બાબુભાઈ ચૌધરીએ થરા પોલીસ મથકે થરા ગામના અમરતજી જેવતજી ઠાકોર અને ભાવનાબેન વિપુલકુમાર પ્રજાપતિ સામે ફરીયાદ નોંધાવી છે તેમાં જણાવવામાં આવ્યુ છે કે ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી નિર્માણ વિભાગના ઠરાવ ક્રમાંકના ફકરામાં શરત મુજબ અરજદારોએ અગાઉ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અથવા સરકારની બીજી કોઈ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન હોઈ અને કુટુંબના કોઈ સભ્ય ભારતભરમાં ક્યાંય પણ પાકુ મકાન ધરાવતા ન હોય રૂ.ર૦ ના સ્ટેમ્પ પેપર ઉપર નમુના પત્રક-અ મુજબ સોગંધનામુ રજુ કરી આવાસ યોજનાનો લાભ મેળવી શકાય તેમ જણાવવામાં આવેલું છે. પરંતુ અમરતજી જેવતજી ઠાકોરના પત્નીના નામે થરા નગરપાલિકાના આકારણી રજી નોંધમાં ગુજરાત ગૃહ નિર્માણ બોર્ડની સહાય મેળવેલ હોવા છતા ખોટુ એકરારનામુ કરી આ યોજના હેઠળ સહાયનો પ્રથમ હપ્તો રૂ.૩૦ હજારનો મેળવી લીધો હતો. જ્યારે ભાવનાબેન વિપુલકુમાર પ્રજાપતિએ પણ તેમના પતિના નામે પાકુ મકાન ધરાવતા હોવા છતા ખોટુ એકરારનામુ કરીને આ યોજના હેઠળ રૂ.૩૦ હજારનો હપ્તો મેળવી  લઈ સરકાર સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરી ઠગાઈ આચરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદ આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આમ, બનાસકાંઠા જિલ્લામાંં ખોટા એકરારનામા કરીને મકાન સહાય મેળવવાનું કૌભાંડ બહાર આવ્યુ છે ત્યારે તપાસમાં વધુ વિગતો ખૂલે અને અન્ય લોકોની પણ સંડોવણી બહાર આવે તેવી શક્યતા છે.
Contribute Your Support by Sharing this News: