ડીસા તાલુકાના સાવિયાણા મુકામે મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યાક્ષસ્થાેને સમાપન સમારોહ યોજાયો

શેર કરવા અહીં ક્લિક કરો.

મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન અને સુચના અનુસાર રાજય સરકારશ્રી દ્વારા તા.૧ મે થી ૩૧ મે સુધી યોજાયેલ સુજલામ સુફલામ જળ અભિયાનનો બનાસકાંઠા જીલ્‍લાનો જીલ્‍લા કક્ષાનો સમાપન સમારોહ ડીસા તાલુકાના સાવિયાણા મુકામે યોજાયો હતો. આ પ્રસંગે સમારોહના અધ્‍યક્ષસ્‍થાનેથી પ્રાસંગીક પ્રવચન કરતાં શ્રમ અને રોજગાર, ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ તથા યાત્રાધામ વિકાસ મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે કહ્યું હતું કે સરકારશ્રી દ્વારા હાથ ધરાયેલ આ જળ સંચય અભિયાનમાં પ્રજા સ્‍વયંભુ રીતે આનંદ અને ઉત્‍સાહથી  સામેલ થતાં અભિયાનને જવલંત સફળતા મળી છે. મંત્રીશ્રીએ કહ્યું કે જળસંચયનાં બાકી કામોને પૂર્ણ કરવામાં આવશે તેમજ હવે દર વર્ષે જળસંચયનાં કામો કરવાનું સરકારનું આયોજન છે. બનાસકાંઠા જીલ્‍લામાં જળ સંચય અભિયાન અન્‍વયે થયેલ સારી કામગીરી બદલ મંત્રીશ્રીએ કલેકટરશ્રી સહીત સૌને અભિનંદન પાઠવ્‍યા હતા.

           મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરએ કહ્યું કે તત્‍કાલીન મુખ્‍યમંત્રીશ્રી અને અત્‍યારે આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ગુજરાતમાં મુખ્‍યમંત્રી તરીકે સત્તાનાં સુત્રો સંભાળીને તરત જ પાણીના પ્રશ્નના કાયમી નિરાકરણ માટે લાખોની સંખ્‍યામાં તળાવો ઉંડા કરીને તથા ચેકડેમો બનાવીને ગુજરાતમાં મહાન પ્રેરણાદાયી કામ કર્યુ છે તેને સંવેદનશીલ મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સફળતાપૂર્વક આગળ વધારી રહ્યા છે. તેમણે કહ્યું કે સરકારશ્રી દ્વારા તા.૧ મે થી ૩૧ મે સુધી યોજાયેલ આ જળ અભિયાનમાં વિશાળ પ્રમાણમાં મશીનરી અને મેન પાવરનો ઉપયોગ થયો છે. તેમણે ઉમેર્યુ કે સતત એક મહિના સુધી ધોમધખતા તાપમાં કોઇએ ગરમી કે થાકની પરવા કર્યા વગર સરાહનીય કામગીરી કરી છે. આ અભિયાનમાં યોગદાન આપનાર સૌ કોઇના યોગદાનને બિરદાવી મંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્‍યા હતા. તેમણે કહ્યું કે વરસાદના વહી જતા પાણીને રોકીને તળાવો, ચેકડેમો અને જળાશયો વગેરેમાં સંગ્રહ કરવા હાથ ધરાયેલ ભગીરથ પ્રયાસોને લીધે હવે વિરાટ પ્રમાણમાં વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાશે જેનાથી ભૂગર્ભ જળસ્‍તર ઉંચા આવતાં ખેડૂતોને મોટો ફાયદો થશે.

        

       મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરએ કહ્યું કે પાણીનો કરકસર અને કાળજીપૂર્વક ઉપયોગ કરીને માતબર ઉત્‍પાદન અને આવક મેળવવા માટે આપણે ઈઝરાયલ જેવા દેશની ખેતપધ્‍ધતિઓ અપનાવવી જોઇએ. તેમણે કહ્યું કે ગામનું પાણી ગામમાં જ અને ખેતરનું પાણી ખેતરમાં જ રહે અને વરસાદના વહી જતા પાણીનું વિરાટ પ્રમાણમાં જળસંચય થાય તે માટે આવો આપણે સૌ સાથે મળી સમગ્ર વિશ્વને પ્રેરણા મળે તેવી કામગીરી કરીએ. મંત્રીશ્રીએ કહ્યું કે ગુજરાતની પ્રજા સાહસીક અને સમજદાર છે જે સમગ્ર વિશ્વને આદર્શ પ્રેરણા આપવા સક્ષમ છે. તેમણે જણાવ્‍યું કે મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્‍વ અને માર્ગદર્શન હેઠળ રાજયમાં તમામ ક્ષેત્રોમાં વણથંભી વિકાસયાત્રા સફળતાપૂર્વક આગળ વધી રહી છે. મંત્રીશ્રીએ કહ્યું કે આ સરકાર ગરીબો, વંચિતો, ખેડૂતો, મહિલાઓ અને વિધાર્થીઓ સહીત સૌના કલ્‍યાણ માટે સમર્પિત સરકાર છે.

શેર કરવા અહીં ક્લિક કરો.