નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મોટેરામાં રમાઇ રહેલી ટેસ્ટ મેચ એકદમ રોમાંચક તબક્કામાં પહોંચી ગઇ છે, મુખ્ય બૉલરોની વચ્ચે પાર્ટ ટાઇમ બૉલર ગણતા ઇંગ્લિશ કેપ્ટને જૉ રૂટે તરખાટ મચાવી દીધો છે. ડે-નાઇટ ટેસ્ટમાં પિન્ક બૉલથી જૉ રૂટે દમદાર બૉલિંગ કરતા પાંચ વિકેટ ઝડપી છે. ખાસ વાત છે કે જૉ રૂટે 8 રન આપીને પાંચ વિકેટ ઝડપી છે.
જૉ રૂટની દમદાર બૉલિંગ….
ઇંગ્લિશ કેપ્ટન બેટ બાદ બૉલથી ટેસ્ટમાં પોતાનો દમ બતાવ્યો છે. જૉ રૂટે ભારતીય ટીમને પોતાની બૉલિંગથી ઘૂંટણીયે પાડી દેતા પાંચ વિકેટ ઝડપી છે. રૂટે ડે-નાઇટ ટેસ્ટમાં 6.2 ઓવર બૉલિંગ કરી હતી જેમાં 3 મેઇન નાંખીને 8 રન આપી 5 વિકેટ પોતાના નામે કરી છે.
જૉ રૂટે ઋષભ પંત, આર અશ્વિન, વૉશિંગટન સુંદર, અક્ષર પટેલ, અને બુમરાહને પેવેલિયન મોકલ્યા હતા. મોટેરાની પીચ સ્પીનરોને મદદ કરી છે, જેના કારણે જૉ રૂટની સાથે સાથે જેક લીચે પણ મહત્વની ચાર વિકેટો ઝડપી હતી.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ડે-નાઇટ ટેસ્ટ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાઇ રહી છે. બન્ને ટીમો ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં 1-1ની બરાબરી પર છે. આ સીરીઝની એકમાત્ર ડે-નાઇટ ટેસ્ટ મેચ છે. ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ ઈનિંગમાં 145 રન પર ઓલઆઉટ થઈ ગઈ છે. જો કે ટીમ ઈન્ડિયાને 33 રનની લીડ મળી છે. પહેલા દિવસે ત્રણ વિકેટ પર 99 રન બનાવનારી ટીમ ઈન્ડિયા બીજા દિવસે માત્ર 46 રનો પર પોતાની સાત વિકેટ ગુમાવી દીધી. ઈંગ્લેન્ડ માટે જો રૂટે શાનદાર બોલિંગ કરતા માત્ર 8 રન આપી પાંચ વિકેટ ઝડપી, જ્યારે લિચે 4 વિકેટ લીધી હતી.