જીતુભાઈ વાઘાણી અને પ્રદીપસિંહ મારા સારા મિત્રો : અલ્પેશ ઠાકોર

શેર કરવા અહીં ક્લિક કરો.
જીતુ વાઘાણી અને પ્રદીપસિંહ મારા ઘરે પૂજામાં હાજર રહ્યા હોવા અંગે જેમને જેવું અર્થઘટન કરવું હોય તેવું કરે : અલ્પેશ ઠાકોર 
 અમદાવાદ : અલ્પેશ ઠાકોરે પોતાના ઘરના વાસ્તુપૂજનમાં બીજેપી નેતાઓને આમંત્રણ આપતા ફરી એક વખત અલ્પેશ ભાજપમાં જોડાઈ રહ્યો હોવાની અટકળો વહેતી થઈ છે. આ બાબતે અલ્પેશ ઠાકોરે પોતાના ઘરે મીડિયાને સંબોધન કરતા અનેક બાબતે ખુલાસા કર્યા હતા. સાથે અલ્પેશે એવું પણ કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ તે ગરીબો માટે નવા આંદોલનના મંડાણ કરશે. ભાજપમાં જોડાવાની વાત પર અલ્પેશે કોઈ સ્પષ્ટતા ન કરતા મીડિયાને ટોન્ટ માર્યો હતો કે, તમે લોકો સમય અને મુહૂર્ત નક્કી કરશો ત્યારે હું આવી જઈશ. કોંગ્રેસ અલ્પેશનું ધારાસભ્ય પદ રદ કરવા માટે પ્રયત્નશીલ હોવા અંગે અલ્પેશે જણાવ્યું હતું કે તે ધારાસભ્ય પદેથી રાજીનામું નહીં આપે.

પ્રદીપસિંહ અને જીતુ વાઘાણી મારા સારા મિત્રો : અલ્પેશ

અલ્પેશે જણાવ્યું કે, “સીએમ વિજય રૂપાણી, પ્રદીપસિંહ જાડેજા અને જીતુભાઈ વાઘાણી મારા સારા મિત્રો છે. મારા ઘરે નાની પૂજા રાખી હોવાથી મેં પ્રદીપસિંહ અને જીતુભાઈને આમંત્રણ આપ્યું હતું. બંને નેતાઓ મારા ઘરે હાજર રહ્યા હોવા અંગે મીડિયા જે અર્થઘટના કાઢવું હોય એ કાઢી શકે છે. કોને આમંત્રણ આપવું અને કોને ન આપવું એ મારે નક્કી કરવાનું હોય છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડા અને પરેશ ધાનાણી સાથે પણ મારે સાારા સંબંધો છે. બીજેપીના બંને નેતાઓ મારા ઘરે હાજર રહ્યા હોવાથી બંનેનો આભાર માનું છું.”

આ પણ વાંચો : અલ્પેશના BJP સાથેના સંબંધો ખુલ્લા પડ્યાં, ઘરના વાસ્તુપૂજનમાં બીજેપી નેતાઓ હાજર

મીડિયાએ જ્યારે સવાલ પૂછ્યો કે દારૂબંધીના આંદોલન વખતે તમે ગૃહમંત્રી પ્રદીપસિંહને ગાળો આપતા હતા અને હવે તેમને જ ઘરે બોલાવો છો ત્યારે અલ્પેશે જણાવ્યું કે, “મને કોઈ વ્યક્તિનો વિરોધ નથી પરંતુ નીતિઓનો વિરોધ હોય છે. હું ત્યારે પણ વિરોધ કરતો હતો અને ભવિષ્યમાં પણ વિરોધ કરીશ.”‘કોંગ્રેસના નબળા લોકો મજબૂત લોકોને જોઈ નથી શકતા’

કોંગ્રેસે ધારાસભ્ય પદ રદ કરવા માટે અધ્યક્ષને અરજી કરી હોવા અંગે અલ્પેશે જણાવ્યું કે, “ચૂંટણી વખતે કોંગ્રેસને મારા સમાજના મત જોતા હતા, એટલે ત્યારે મારી સામે કોઈ કાર્યવાહી ન કરી. કોંગ્રેસ રાજકીય નફા-નુકસાનની ગણતકરી કરી રહી છે. મેં વ્હિપનો અનાદર નથી કર્યો. મારું ધારાસભ્ય પદ લેવા માટે કોંગ્રેસ હવાતિયા મારે છે. મજબૂત માણસને હેરાન કરીને કોંગ્રેસમાંથી કાઢવામાં આવી રહ્યા છે. નબળા લોકો મજબૂત અને પ્રજાના પ્રતિનિધિઓને સહન નથી શકતા. આવા નબળા લોકો બંધ બારણે સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરે છે અને મારા જેવા લોકોને ષડયંત્ર કરીને પક્ષ છોડવા મજબૂર કરે છે.”

‘હું રાજીનામું નહીં આપું’

“મારી સામે કરવામાં આવેલા ષડયંત્રનો હું એવો જવાબ આપીશ કે કોંગ્રેસને કળ નહીં વળે. અંદર અંદરની લડાઈને કારણે કોંગ્રેસ ગુજરાતમાં 25 વર્ષથી સત્તાની બહાર છે. ઠાકોર સમાજ અને ઓબીસીનો દીકરો હોવાથી મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. હું ધારાસભ્ય પદેથી રાજીનામું નહીં આપું. પાંચ વર્ષ ધારાસભ્ય પદે રહીને રાધનપુરનો વિકાસ કરીશ. પાંચ વર્ષ બાદ ફરીથી ત્યાં જ ચૂંટણી લડીશ.”

પ્રજા મારી ખુરશીની ચિંતા કરશે

અલ્પેશે વધુમાં જણાવ્યું કે, “મેં મારા ગરીબ લોકોના ન્યાય માટે મેં રાષ્ટ્રીય પદ છોડી દીધું છે. આ પદ છોડવું મને પણ નથી ગમ્યું. પ્રજા માટે ખુરશી છોડો ત્યારે પ્રજા તમારી ખુરશીની ચિંતા કરતી હોય છે.”

ભાજપમાં જોડવાના પ્રશ્નનો જવાબ આપતા અલ્પેશે કહ્યું કે, “તમે (મીડિયાવાળા) મને સમય, તારીખ અને મુહૂર્ત કાઢીને આપજો, હું આવી જઈશ! હું એક આંદોલનકારી તરીકે કામ કરવાનું વધારે પસંદ કરીશ. 23 તારીખ પછી મારા આંદોલનના મંડાણ થશે. મારું આંદોલન પ્રજા માટેનું હશે. જેમાં ગરીબોના અધિકારોની વાત હશે.”

શેર કરવા અહીં ક્લિક કરો.