કહ્યું- ઉત્સવનો સમય નથી, કોરોનાથી લડવાનું છે.

  • શિવરાજસિંહ ચૌહાણ 2005થી 2018 સુધી લગાતાર 13 વર્ષ સુધી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહ્યા
  • મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ શિવરાજસિંહને શુભેચ્છા આપી

ભોપાલ:  શિવરાજસિંહ ચૌહાણે સોમવારે રાત્રે 9 વાગ્યે મધ્યપ્રદેશના 32મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. શપથગ્રહણ સમારોહમાં માત્ર 6 મિનિટ ચાલ્યો હતો. તેઓ મધ્યપ્રદેશના ઈતિહાસના પહેલા નેતા છે જેમણે ચોથી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. શપથ બાદ તેમણે કહ્યું કે આ ક્ષણ ઉત્સવની નથી. એક ટ્વિટ પણ કર્યું જેમાં લખ્યું- પ્રાથમિકતા કોરોનાવાયરસથી મુકાબલો, બાકી બધુ પછી થશે. શિવરાજસિંહ આ પહેલા 2005થી 2018 સુધી લગાતાર 13 વર્ષ CM રહી ચૂક્યા છે. 20 માર્ચના કમલનાથના રાજીનામા બાદ CMની રેસમાં તેઓ સૌથી મજબૂત દાવેદાર હતા. શિવરાજસિંહ સિવાય અત્યારસુધી અર્જુનસિંહ અને શ્યામચરણ શુક્લ ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.

હાલના રાજકીય ડ્રામામાં શિવરાજ સૌથી મોટા ગેઈનર
15 વર્ષ સુધી સત્તામાં રહેલી ભાજપ સરકાર જ્યારે ડિસેમ્બર 2018માં ચૂંટણી હારી ગઈ ત્યારે શિવરાજ સિંહ ચૌહાણના રાજકીય કરિયર સામે સવાલ ઉભા થયા હતા. ત્યારે લાગતુ હતું કે શિવરાજને કેન્દ્રમાં મોકલવામાં આવી શકે છે, પરંતુ તેમણે મઘ્ય પ્રદેશમાં જ રહેવાની ઈચ્છા જણાવી હતી. શિવરાજ હાર્યા પછી પણ રાજ્યમાં સક્રિય રહ્યા હતા. શિવરાજ સિંહે આ વર્ષે જ જાન્યુઆરીમાં સિંધિયા સાથે મુલાકાત કરી હતી. જોકે ત્યારે તેમણે તેને શિષ્ટાચાર મુલાકાત ગણાવી હતી. મધ્ય પ્રદેશમાં તાજેતરમાં 17 દિવસ ચાલેલા રાજકીય ડ્રામામાં સૌથી વધારે ફાયદો શિવરાજ સિંહને જ થયો હતો.

શિવરાજને ફ્લોર ટેસ્ટમાંથી પસાર થવું પડશે
ભાજપ સરકાર બનાવી દેશે તો તેમને વિધાનસભામાં ફ્લોર ટેસ્ટમાંથી પસાર થવું પડશે. ગયા વર્ષે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના રાજીનામા પછી શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ધારાસભ્યોના સમર્થન પત્ર રાજ્યપાલવે સોંપીને મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. ત્યારપછી તેમણે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટમાંથી પસાર થવું પડ્યું હતું. તેમાં તેઓ જીતી ગયા હતા. કર્ણાટકમાં પણ 2018ની વિધાનસભા ચૂંટણી પણ ત્રિશંકુ વિધાનસભા બની. રાજ્યપાલે સૌથી મોટા પક્ષ ભાજપને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું અને યેદિયુરપ્પા મુખ્યમંત્રી બન્યા હતા. 6 દિવસ પછી યેદિયુરપ્પાએ ફ્લોર ટેસ્ટ પહેલાં જ રાજીનામુ આપ્યું હતું. આ જ રીતે શિવરાજને પણ ફ્લોર ટેસ્ટમાંથી પસાર થવું પડશે.

24 સીટ પર છ મહિનામાં ચૂંટણી થશે
વિધાનસભામાં 230 સીટ છે. બે ધારાસભ્યોના નિધન પછી 2 સીટ પહેલાથી ખાલી છે. સિંધિયા સમર્થક કોંગ્રેસના 22 ધારાસભ્યો બળવાખોર થઈ ગયા હતા. સ્પીકર એનપી પ્રજાપતિએ આ દરેકના રાજીનામા મંજૂર કરી દીધા છે. આમ, કુલ 24 સીટો અત્યારે ખાલી છે. અહીં 6 મહિનમાં ચૂંટણી થવાની છે.

પેટા ચૂંટણીમાં ભાજપને ઓછામાં ઓછી 9 સીટો જીતવી પડશે
ભાજપ પાસે 106 ધારાસભ્ય છે. 4 અપક્ષ તેમના સમર્થનમાં આવશે તો ભાજપ+ની સંખ્યા 110 થઈ જશે. 24 સીટો પર પેટાચૂંટણી થવાથી ભાજપને બહુમતી માટે વધુ 7 સીટોની જરૂર પડશે. જો અપક્ષે ભાજપનો સાથે ન આપ્યો તો પેટાચૂંટણીમાં પાર્ટીને ઓછામાં ઓછી 9 સીટ જીતવી પડશે.