મહેસાણા
મહેસાણા: ચૂંટણી અધિકારી 1 લાખની લાંચ લેતા ઝબ્બે, ઉમેદવારનું ફોર્મ લેવા તોડ કરવો હતો
ગુજરાતમાં ચૂંટણી અને વહીવટી આલમની અત્યાર સુધીની સૌથી મોટી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોઇ તંત્ર કવાયતમાં છે ત્યારે અધિકારીની માનસિકતાનો સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. જિલ્લા પંચાયતની ચૂંટણીના ઉમેદવાર પાસે તોડ કરવા જતાં અધિકારી ઝડપાઈ ગયા છે. મહિલા ઉમેદવારનું ફોર્મ માન્ય કરવા ચૂંટણી અધિકારીએ એક લાખની માંગણી કરી હતી. વચેટિયા મારફત વાત થયા બાદ મહિલા અરજદાર લાંચની રકમ આપવા ઈચ્છુક ન હોઇ એસીબીને જાણ કરી હતી. જેના પગલે ગાંધીનગર એલસીબીની ટીમે કચેરીમાં જ ચૂંટણી અધિકારી એવા જિલ્લા રજીસ્ટારના અધિકારી રાજેન્દ્ર બ્રહ્મભટ્ટને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા
મહેસાણા જિલ્લા ચૂંટણી તંત્રને કાળો ધબ્બો લાગે તેવી રાજ્યની સૌથી મોટી ઘટના બની છે. ચૂંટણી અધિકારી તરીકે મૂકાયેલા જિલ્લા રજીસ્ટાર કચેરીના સહકારી અધિકારી લાંચ લેતા ઝડપાઈ ગયા છે. મહેસાણા જિલ્લા પંચાયતની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારી ફોર્મની ચકાસણી ચાલુ છે. આ દરમ્યાન વિસનગર નજીક 35-સવાલા સીટ ઉપરના મહિલા ઉમેદવારના ફોર્મ વિરુદ્ધ વાંધો રજૂ થયો હતો. આથી વાંધા અરજી નિકાલ કરવા ચૂંટણી અધિકારી રાજેન્દ્ર બ્રહ્મભટ્ટે સુનાવણી ગોઠવી હતી. આ દરમ્યાન કથિત સ્થાનિક ઈસમ મારફતે ઉમેદવાર અને તેમનાં પતિએ જાણકારી મેળવી હતી કે ચૂંટણી અધિકારી લાંચ લેવા ઈચ્છુક છે. આ તરફ મહિલા ઉમેદવારના પતિ અગાઉ જિલ્લા પંચાયત સદસ્ય રહી ચૂક્યા હોઇ ફોર્મ સામે તોડની વિગત જાણી અચંબિત બન્યા હતા. આથી જેના દ્વારા વાત થઈ તે મુજબ ફરિયાદીને જણાવાયું હતું કે, ફોર્મ મંજુર કરવા સાહેબ પાસે હુકમ કરાવવાના લગત પોતે એક લાખ લેશે. જ્યારે સાહેબના રૂપિયા અલગથી થશે એ રીતે લાંચની માંગણી કરી હતી.સૂત્રોએ જણાવ્યું હતું કે, સમગ્ર બાબતે મહિલા ઉમેદવાર સંબંધે તેમના પતિએ ગાંધીનગર એસીબીને ફરિયાદ કરી હતી. આથી લાંચનુ છટકું ગોઠવાતાં ફરિયાદી સમક્ષ આક્ષેપિતે રૂબરૂમાં રૂપિયા એક લાખની માંગણી કરી હતી. જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોવાથી લાંચના છટકા દરમ્યાન ચૂંટણી અધિકારી રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ રૂ. એક લાખની લાંચની માંગણી કરી સ્વીકારી પકડાઈ ગયા હતા. આજે બપોરે ખુદ ચૂંટણી અધિકારી પોતાની ચેમ્બરમાં ફોર્મ માન્ય રાખવા સામે એક લાખ રૂપિયા લેતાં ઝડપાઈ જતાં ચૂંટણી આલમમાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાને પગલે મહેસાણા જિલ્લા ચૂંટણી અને પંચાયત આલમમાં પણ ચકચાર મચી ગઇ છે.