સરહદ પર ભારત અને ચીન વચ્ચે તણાવ વ્યાપેલો છે ત્યારે વિપક્ષ સતત ચીન મુદ્દે સરકાર પર નિશાન સાધી રહ્યું છે. કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારના ‘મેક ઈન ઈન્ડિયા’ને જુમલો ઠેરવીને નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ટિ્વટર પર એક રિપોર્ટનો ડેટા શેર કર્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, સરહદ પરના તણાવ વચ્ચે ભારત અને ચીન વચ્ચેના વેપારમાં ઉછાળો આવ્યો છે.
રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તણાવ વચ્ચે ભારત અને ચીનના વેપારમાં 49 ટકાનો વધારો જાેવા મળી રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે વર્ષ 2021 માં જાન્યુઆરીથી લઈને સપ્ટેમ્બર સુધી બંને દેશો વચ્ચેનો કારોબાર 49 ટકાના ઉછાળા સાથે 90 અબજ ડોલર સુધી જઈ પહોંચ્યો છે. આ રિપોર્ટ શેર કરીને રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને બેમોઢાળી કહી છે.
રાહુલ ગાંધીએ એવા સમયે આ ટિ્વટ કરી છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળીની ખરીદી માટે લોકોને મેક ઈન ઈન્ડિયાને પ્રાથમિકતા આપવા માટે વિનંતી કરી છે. વડાપ્રધાને કહ્યું છે કે, આ દિવાળીએ દરેક નાનામાં નાની વસ્તુ, જે મેડ ઈન ઈન્ડિયા હોય, જેને બનાવવા માટે કોઈ ભારતવાસીનો પરસેવો રેડાયો હોય તેને ખરીદવા માટે ભાર આપવું જાેઈએ. ઉલ્લેખનીય છે કે, સરકાર દરેક તહેવાર વખતે મેડ ઈન ઈન્ડિયા અંતર્ગત બનેલા ઉત્પાદનોને પ્રમુખતા આપવા માટે વિનંતી કરે છે.
ભારતે કોરોના વેક્સિનેશન અભિયાનમાં 100 કરોડ ડોઝનું લક્ષ્યાંક હાંસલ કર્યું છે. આ મુદ્દે કટાક્ષ કરતા કોંગ્રેસે એક તસવીર શેર કરી હતી. તેમાં બતાવવામાં આવ્યું છે કે, સમગ્ર વિશ્વમાં 37 ટકા લોકોને કોરોના વેક્સિનના બંને ડોઝ લાગી ચુક્યા છે. ત્યારે ભારતમાં 21 ટકા લોકોને જ કોરોના વેક્સિનના બંને ડોઝ લાગ્યા છે. કોંગ્રેસે લખ્યું હતું કે, આ અચ્છે દિનોની સરકાર છે જે જૂઠા જુમલાઓની ભરમાર છે.