ગરવી તાકત; અમદાવાદ : કોરોનાની બીજી લહેર સામે દુનિયાના બીજા દેશો સાથે ભારત પણ ઝઝૂમી રહ્યુ છે.તબીબી સુવિધાઓ ઓછી પડી રહી છે અને સરકારો લાચાર બની રહી છે ત્યારે દુનિયાભરમાં કોરોના વાયરસને ફેલાવનારા ચીનમાં સ્થિતિ સામાન્ય છે.ચીનની ઈકોનોમી પણ પાટે ચઢી ગઈ છે અને અહીંયા સાવ ઓછા કોરોના કેસ સામે આવી રહ્યા છે.ઘણા લોકોને તેના કારણે આશ્ચર્ય પણ થઈ રહ્યુ છે.
જોકે ચીનના નિષ્ણાતોના મતે કોરોના પર ચીને મેળવેલા કાબૂ પાછળ મુખ્ય ચાર કારણો છે.
કારણ એક
ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીએ ગયા વર્ષે એપ્રિલ મહિનામાં મેળવેલા કાબૂ બાદ અલગ અલગ સ્તરે કોરોનાને નિયંત્રણમાં રાખવામાં કોઈ કસર રાખી નથી.ચીનમાં કોલ્ડ ચેન સપ્લાય, દુકાનો, તબીબી સેવાઓ જેવા વિવિધ વ્યવસાયોમાં કાર્યરત લોકોનુ નિયમિત રીતે ટેસ્ટિંગ કરવામાં આવે છે.માસ્ક પહેરવો ફરજિયાત છે અને જાહેર સ્થળોએ પણ નજર રાખવામાં આવે છે.બહારથી આવતા લોકો માટે ક્વોરેન્ટાઈનના આકરા નિયમો લાગુ કરાયા છે. કારણ બે
ચીનમાં જ્યાં પણ કોરોનાના કેસ દેખાય કે તરત જ તેટલા વિસ્તારમાં જ કેસ સિમિત રહે તે માટે તમામ પ્રયત્ન કરવામાં આવે છે.ચીનમાં વુહાનમાથી લોકડાઉન હટાવાયુ તે પછી જ્યાં જ્યાં કોરોનાના કેસ દેખાયા ત્યાં ચીને લોકોને ક્વોરેન્ટાઈન કરીને, સિમિત લોકડાઉ લગાવીને અને તેટલા વિસ્તારમાં મોટા પાયે કોરોના ટેસ્ટ કરીને કોરોનાના સંક્રમણ પર કાબૂ મેળવી લીધો હતો.જેથી કોરોનાનો વ્યાપ વધી શક્યો નથી.
કારણ ત્રણ
ચીનમાં કોમ્યુનિસ્ટ સરકાર હોવાથી સ્થાનિક અધિકારીઓને જવાબદાર માનવામાં આવ છે.કોરોનાના પ્રારંભમાં જે અધિકારીઓ બેદરકાર રહ્યા હોવાનુ સામે આવ્યુ તેમને હોદ્દાઓ પરથી હટાવીને નિયમો પ્રમાણે સજા પણ આપવામાં આવી હતી.જેમ કે ચીનના રુઈલી વિસ્તારમાં ગયા મહિને કોરોનાના કેસ સામે આવ્યા તે પછી સ્થાનિક સમિતિના સચિવને પદ પરથી દુર કરાયા હતા.
કારણ ચાર
ચીનમાં લોકો સરકાર દ્વારા અપાયેલી ગાઈડલાઈનનુ પાલન કરવામાં વધારે શિસ્તબધ્ધ અને સક્રિય છે.બે મહિના પહેલા ફેબ્રુઆરીમાં ચીનનો સૌથી મોટો વસંત રુતુનો તહેવાર હતો.આ પહેલા સરકારે લોકોને પોતાના કામના સ્થળે જ ઉજવણી કરવા અને વતન પાછા નહીં જવા માટે કહ્યુ હતુ.જેનુ લોકોએ પાલન પણ કર્યુ હતુ.આમ લોકોનો સહકાર કોરોના સંક્રમણની ચેન તોડવા માટે બહુ જરુરી છે જે ચીનની સરકારને મળે છે.