ચીનના સ્પેસ સ્ટેશનનો એક ભાગ અંતરિક્ષમાં પહોંચાડવા માટે આ રૉકેટને લૉન્ચ કરવામાં આવ્યું હતું.
આ અઠવાડિયાના અંતમાં ચીનના એક રૉકેટનો વિશાલ કાટમાળ ધરતી પર આવી પડે તેવી શક્યતા છે.
ગત મહિને ચીનના નવા સ્પેસ સ્ટેશનના પ્રથમ મૉડ્યુલને અંતરિક્ષમાં મોકલવા માટે લૉંગ માર્ચ-5 વેહિકલના પ્રમુખ સેગમેન્ટનો ઉપયોગ કરાયો હતો.
કેટલાય દાયકોમાં આ પહેલી વખત બની રહ્યું છે કે 18 ટન જેટલો કાટમાળ વાયુમંડળમાં અનિયંત્રિત પૃથ્વીની સપાટી તરફ વધી રહ્યો છે.
ગુરુવારે અમેરિકાએ કહ્યું હતું કે તે અંતરિક્ષમાંથી ધરતી તરફ આવી રહેલા કાટમાળ પર નજર રાખી રહ્યું છે, પરંતુ હજુ કાટમાળ પર કોઈ પગલાં લેવાની યોજના નથી.
અમેરિકાના રક્ષામંત્રી લૉયડ ઑસ્ટિને કહ્યું, “અમને આશા છે કે આ કાટમાળ એવી જગ્યાએ પડશે જ્યાં કોઈને નુકસાન નહીં થાય. સમુદ્ર કે એવી કોઈ જગ્યાએ પડશે.”
જોકે અંરતિક્ષમાં ઉત્પન્ન થતા કાટમાળ અંગે નિષ્ણાતોનું કહેવું છે કે આ ટુકડો વહેલી રવિવાર સવારે ધરતીના વાયુમંડળમાં પ્રવેશ કરી શકે છે. જોકે, આ અંગે કોઈ પણ અનુમાન સચોટ નથી હોતા.
રૉકેટ ક્યાં પડી શકે છે?
29 એપ્રિલના લૉંગ માર્ચ-5બીને પૃથ્વીથી 160 કિલોમિટરથી 375 કિલોમિટર દૂર લંબગોળાકાર કક્ષામાં લૉન્ચ કરવામાં આવ્યું હતું પરંતુ ત્યાર પછીથી તે પોતાની ઊંચાઈ ગુમાવી રહ્યું છે.
આ રૉકેટના ટુકડા જે લંબગોળાકાર કક્ષામાં ફરતું આવે છે એ કેટલી જલ્દી ક્ષીણ થશે એ ઊંચાઈ પર હવાની ઘનતા અને તે કેટલું ઘસડાય છે તેના પર આધાર રાખે છે.
આ વિશે વૈજ્ઞાનિકોને બહુ માહિતી નથી.
આમ તો મોટા ભાગના રૉકેટ જ્યારે પૃથ્વના વાયુમંડળમાં અંતિમ તબક્કામાં પહોંચે છે ત્યારે બળી જતા હોય છે, જોકે ઊંચું ગલનબિંદુ ધરાવતી ધાતુઓ અને અન્ય પદાર્થો, પૃથ્વીની સપાટી સુધી પહોંચે ત્યાં સુધી બચી રહે છે.
એક વર્ષ પહેલા અંરિતક્ષમાંથી પૃથ્વી પર આવું જ રૉકેટ કોર સ્ટેજ પાછું ફર્યું હતું ત્યારે આફ્રિકાના આઇવરી કોસ્ટના એક મેદાનમાં પાઇપિંગની સામગ્રી મળી આવી હતી જે આ રૉકેટની હોય એવું માનવામાં આવ્યું હતું.
પૃથ્વીનો મોટો ભાગ સમુદ્રથી ઢંકાયેલો છે અને પૃથ્વીના ભૂભાગમાંથી મોટા ભાગમાં વસવાટ નથી એટલે કોઈને પણ અંતરિક્ષમાંથી પૃથ્વી પર પડતા કાટમાળથી નુકસાન થાય એવું બનવાની શક્યતા બહુ ઓછી છે પણ નહિંવત્ નથી.
રૉકેટનું કોર સ્ટેજ ભૂમધ્યરેખા તરફ 41.5 ડિગ્રી જેટલા ઝુકાવ પર આવી રહ્યું છે.
આનો અર્થ એ થયો કે આ રૉકેટ 41.5 ડિગ્રી ઉત્તરી અક્ષાંશ અને 41.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશની બહાર પડે એની શક્યતા ઓછી છે.
ચીનનું લૉન્ગ માર્ચ 5 બી રૉકેટ
ચીન પર અંતરિક્ષમાંથી આટલી વિશાળ વસ્તુના ધરતી પર અનિયંત્રિત રીતે પાછા આવવાને લઈને ચીન ગેરજવાબદાર હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે પરંતુ ચીને આરોપને નકારી દીધો છે.
ચીનના સરકારી મીડિયામાં પશ્ચિમી મીડિયામાં આ રૉકેટ પડવાથી નુકસાનની આશંકાને ‘હાઇપ’ ગણાવ્યું છે. આ રૉકેટનો કાટમાળ સમુદ્રમાં પડે તેવી આશંકા ચીની મીડિયામાં વ્યક્ત કરવામાં આવી છે.
ગ્લોબલ ટાઇમ્સમાં એરોસ્પેસ નિષ્ણાત સૉંગ ઝોંગપિંગને ટાંકીને કહેવામાં આવ્યું કે ચીનનું સ્પેસ મૉનિટરિંગ નેટવર્ક આ ઘટના પર નજર રાખી રહ્યું છે અને નુકસાન થશે તો પગલાં લેવામાં આવશે.
અમેરિકામાં હાર્વર્ડ-સ્મિથસૉનિયન સેન્ટર ફૉર એસ્ટ્રોફિઝિક્સના જૉનાથન મૅકડાવલ કહે છે કે આ ઘટના ચીનની છબિને ખરાબ કરી શકે છે.
તેમણે બીબીસીને જણાવ્યું, “આ એક રીતે બેદરકારીના રૂપમાં જોવાશે.”
“આ રૉકેટને બીજી વખત લૉન્ચ કરવામાં આવ્યું હતું. ગત વર્ષે આઇવરી કોસ્ટમાં જે કાટમાળ પડ્યો હતો તે પ્રથમ લૉન્ચ દરમિયાન થયું હતું, આ બંને રૉકેટ એકદમ સરખાં છે.”
1979માં સ્કાયલૅબમાં અંતરિક્ષમાંથી અનિયંત્રિત રીતે કાટમાળ પડવાની ઘટના બની હતી ત્યાર પછી ગત વર્ષે આઇવરી કોસ્ટ અને આ વર્ષે જે રૉકેટ પૃથ્વી પર પડવા જઈ રહ્યા છે તે સૌથી વધારે વજનનો કાટમાળ છે.
1979માં અમેરિકાના સ્પેસસ્ટેશન સ્કાયલૅબના ટુકડા પશ્ચિમ ઑસ્ટ્રેલિયામાં પડ્યા હતા, અને આ ઘટનાની ચર્ચા આખા વિશ્વમાં થઈ હતી.
યુકેમાં સાઉથેમ્પટન યુનિવર્સિટીના હ્યૂ લુઇસ કહે છે કે અંતરિક્ષમાં પૃથ્વીની કક્ષમાં 60 વર્ષથી જતી સ્પેસ ફ્લાઇટ્સને કારણે ઘણો કાટમાળ ભેગો થઈ ગયો છે. અને આના માટે અનેક દેશો જવાબદાર છે, રશિયા અને અમેરિકા તેમાં મુખ્ય સ્થાન ધરાવે છે.
તેમણે ટ્વીટ કર્યું હતું, “એ યાદ રાખવું જોઈએ કે પૃથ્વીની નીચી કક્ષાએ 900 જેટલા રૉકેટ સ્ટેજ છે, જે રૉકેટ લૉન્ચ માટે સક્ષમ દરેક દેશ દ્વારા છોડવામાં આવ્યા છે અને આ અઠવાડિએ પૃથ્વી પર પાછા આવી રહેલા કાટમાળ કરતા આનું વજન ઘણું વધારે છે.
પૃથ્વી પર રૉકેટ સ્ટેજ પાછા બોલાવવાની નવી રીત
આધુનિક વિજ્ઞાનમાં હવે અંતરિક્ષમાં મિશન પૂર્ણ થયા પછી રૉકેટ કોર સ્ટેજને ફરીથી કક્ષામાંથી બહાર કાઢવાને જ યોગ્ય પ્રક્રિયા માનવામાં આવે છે.
અમેરિકાની સ્પેસ એક્સ કંપની હવે રૉકેટ કોર સ્ટેજને પાછા પૃથ્વી પર લઈ આવે છે જેથી તેનો ફરીથી ઉપયોગ કરી શકે.
ઊપરી કક્ષામાં જતા રૉકેટ કોર સ્ટેજ જે પેલોડ સટીક સ્થાને પહોંચાડવા માટે પૃથ્વીની ફરતે કેટલાક ચક્કર લગાવે છે તેમાં એક રિ-ઇગ્નાઇટેબલ એન્જિન પણ લગાવવામાં આવે જેથી તે કામ પતાવીને જલ્દી પૃથ્વી તરફ પાછું આવી શકે છે.
સામાન્ય રીતે, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ અને દક્ષિણ અમેરિકા વચ્ચેના કોઈ સ્થળે જેમકે સમુદ્રમાં આ રૉકેટ કોર સ્ટેજ પાછા ઊતારવામાં આવે છે.
સાઉથ પેસિફિકમાં આવેલો 1,500 વર્ગકિલોમિટરનો આ વિસ્તાર રૉકેટના કાટમાળના કબ્રસ્તાન તરીકે ઓળખાય છે . અહીં નિષ્ક્રિય સૅટેલાઇટો પણ દટાયેલાં છે. આ વિસ્તારમાં 260 મિશનથી જોડાયેલો કાટમાળ દટાયેલો છે.