સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારીઅે હજુ સુધી પણ ગુજરાત રાજ્ય પર આતંક જારી રાખ્યો છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા કેસની સંખ્યા ૩‍૭૧ નોંધાઈ છે. જેમાં કુલ કેસનો આંકડો ૧૨૯૧૦ ઉપર પહોંચી જવા પામ્યો છે. રાજ્યમાં એક તરફ સરકારે છૂટછાટ આપી લોકડાઉન હળવું કરી દીધું છે. જેને પગલે લોકો ભારે ભીડ કરી બજારોમાં ઉમટી રહ્યા છે. ત્યારે બીજી તરફ કેસોનો આંક પણ વધતા ફરીથી કરફ્યુ લાદવો પડે તેવી સ્થિતિ સર્જાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

વિશ્વભરમાં આતંક મચાવનાર કોરોના વાયરસની મહામારીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી હતી. આ મહામારી ભારત દેશમાં પણ આવી પહોંચતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન જાહેર કરી દીધું હતું. છેલ્લા બે માસ જેટલા સમયથી લોકો ઘરમાં પુરાઇને માત્ર આવશ્યક ચીજ વસ્તુઓ લેવા માટે જ ઘરની બહાર નીકળ્યા હતા અને હજુ સુધી પણ કેટલાક સમજુ લોકો તો નિયમોનું પાલન કરી રહ્યા છે. ગુજરાત સરકારે લોકોના ધંધા રોજગાર બંધ થઈ જતાં ભૂખે મરવાનો વારો ન આવે તે માટે લોક ડાઉન ૪ જાહેર કર્યા બાદ ધંધા રોજગાર માટે છૂટછાટો આપી છે. પરંતુ છૂટછાટ આપવામાં આવતા જ લોકો ટોળે ટોળા વળીને બજારમાં ખરીદી કરવા તેમજ લટાર મારવા નીકળી પડતા હોવાથી લોકડાઉનનો સરેઆમ ભંગ થઇ રહ્યો હોવા છતાં પણ લોકોની લાંબી કતારો બજારોમાં જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતમાં કોરોનાના આંકડા પર નજર કરવામાં આવે તો છેલ્લા ૨૪ કલાકમાં નવા કેસની સંખ્યા ૩૭૧ નોંધાઇ છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોના પોઝિટિવ દર્દીઓ હોય તેવા ૨૪ લોકોના મોત થવા પામ્યા છે. સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ કોરોનાના ૧૨૯૧૦ પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યા છે. તે પૈકી ગુજરાતમાં કુલ ૫૪૮૮ દર્દીઓ અત્યાર સુધીમાં સાજા થયા છે.

બોકસ : રાજ્યમા આજે વધુ ૨૯ દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા

રાજ્યમાં આજે વધુ ૨૯ દર્દીઓએ કોરોના સામે જંગ જીતી લીધો છે. તેમના રિપોર્ટ નેગેટિવ આવતા આજે તેઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. જોકે પોઝીટીવ દર્દીઓના આંકડામાં પણ દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો હોય લોકડાઉન વધુ સખત બનાવવું પડે તેવી જરૂરિયાત જણાઈ રહી છે.

બોકસ : અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૨૩૩ કેસ નોંધાયા

  1. ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર સૌથી વધુ અમદાવાદ શહેરમાં વર્તાઇ રહ્યો છે. કોરોના હોટસ્પોટ ગણાતા અમદાવાદ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૨૩૩ કેસ નોંધાઇ ચૂક્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં પરિસ્થિતિ વધુ ગંભીર બનતી જઈ રહી હોય આ બાબતે પણ રાજ્ય સરકારે પગલાં ભરવા જરૂરી બન્યા છે.
Contribute Your Support by Sharing this News: