ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી દિવસે દિવસે ખરાબ થઇ રહી છે અને છેલ્લા એક અઠવાડીયાથી ૧૦થી વધુ હત્યાના બનાવો બનતા પોલીસ તંત્ર પર સવાલ ઉઠી રહ્યાં છે.
એ યાદ રહે કે ગત રાત્રીએ કચ્છના ખાવડામાં મોડી રાત્રે એક યુવકની હત્યાનો મામલે સામે આવ્યો છે. આ ઘટના ખાવડા ગામના બસ સ્ટેન્ડની છે. જ્યાં જાહેરમાં જ એક યુવાનની ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. જોકે હત્યા શા માટે કરવામાં આવી છે તેની પાછળનું કારણ હજુ અકબંધ છે. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે એક અન્ય હત્યાનો બનાવ મોરબી શહેરમાં થયો છે. જેમાં ટ્રાવેલ્સના સંચાલક ધ્રુવકુમારસિંહની હત્યા કરી દેવામાં આવી છે. જો કે સૌરાષ્ટ્રના ભાવનગરમાં છેલ્લા ૫ દિવસમાં ૪ હત્યાના મામલા સામે આવ્યાં છે. જેને લઇને ભાવનગરવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
     જ્યારે સુરેન્દ્રનગરની વાત કરીએ તો સગા દીકરાએ જનેતના ધારીયાના ઘા મારી હત્યા કરી નાંખી હતી. અન્ય એક હત્યામાં વ્યાજખોરોએ માત્ર ૨૦ હજાર રૂપિયા માટે મુસ્લિમ યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. આમ સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જોવા મળી રહી છે. જ્યારે રાજકોટમાં દુષ્કર્મના આરોપીની હત્યા કરવામાં આવી હતી. જેમાં ફરિયાદી યુવતીના પિતાએ આરોપીને માર માર્યો હતો. તો કચ્છના નલિયામાં સગી જનેતાએ જ બાળકની હત્યા કરી દેતાં આ વિસ્તારમાં ચકચાર પામી હતી.જ્યારે બનાસકાંઠામાં માડાલા ગામે મહિલાના મોતને લઇને પતિ પર શંકાની સોય જોવા મળી હતી. પોરબંદરમાં મિલકતના મામલામાં કુટુંબીજનોએ પ્રૌઢની હત્યા કરી નાંખી હતી. જેમાં બે મહિલા સહિત ૪ શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. ભરૂચમાં ઝઘડામાં ખેલાયો ખૂની ખેલ,પત્નીએ પતિની છરીના ઘા ઝીંકી કરી હત્યા કરી દેવાઇ હતી. આમ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડતી જોવા મળી રહી છે. 

Contribute Your Support by Sharing this News: