કોંગ્રેસમાં ફરી ભૂકંપ, મહેસાણા અને ઊંઝા તા. પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસ

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા અને ઊંઝા તાલુકા પંચાયત કોંગ્રેસના હાથમાંથી ભાજપના હાથમાં સરકી જાવ તેવી શક્યતા

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની મુશ્કેલીમાં ઘટાડો થવાને બદલે વધારો થઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતના ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલના રાજીનામા બાદ ઊંઝા અને મહેસાણામાં કોંગ્રેસ માટે વધુ એક ઝટકા સમાન સમાચાર મળી રહ્યા છે.

કોંગ્રેસ શાસિત ઊંઝા તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવતા ફરી મહેસાણા જીલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસ શાસિત વધુ એક સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાં ભૂકંપ જેવો માહોલ સર્જાયો છે. તાલુકા પંચાયતના પ્રમુખ ભરતજી શિવાજી રાજપુત અને ઉપપ્રમુ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

કોંગ્રેસના સભ્યો, અપક્ષના સભ્યો અને 1 ભાજપના સભ્ય એમ કુલ 12 સભ્યોએ પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે.
ઊંઝા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના સભ્યોની બહુમતી છે. ત્યારે કોંગ્રેસના 7, અપક્ષના 4 અને ભાજપના એક સભ્યએ દરખાસ્ત મુકી છે. હાલમાં ઊંઝા તાલુકા પંચાયતમાં 13 કોંગ્રેસના, 4 અપક્ષના અને 1 ભાજના સભ્ય છે.

આ બાજુ મહેસાણા કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતમાં પણ પ્રમુખ અને ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં આવી છે. તાલુકા પંચાયત પ્રમુખ વિનુભા ધનુભા ઝાલા અને ઉપપ્રમુખ પ્રતાપજી બળદેવજી ચાવડા વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, કોંગ્રેસના 13 અને ભાજપના 8 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજુ કરી છે.

ઊંઝામાં કોંગ્રેસના 13માંથી 7 સભ્યોએ પ્રમુખ અને ઉપપ્રમુખ સામે બળવો કરી અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતા અને મહેસાણામાં કોંગ્રેસના 13 અને ભાજપના 8 સભ્યોએ બળવો કરતા, સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે, ઊંઝા તાલુકા પંચાયત તથા મહેસાણા તાલુકા પંચાયત પણ કોંગ્રેસના હાથમાંથી સરકી ભાજપના હાથમાં આવી જાય તેવા એંધાણ સર્જાયા છે.

શેર કરવા અહીં ક્લિક કરો.