૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં ભાજપના વિજયનો રથ રોકવા માટે વિપક્ષ સંપૂર્ણપણે એક દેખાઇ રહ્યું છે. યુપીમાં તાજેતરમાં પેટાચૂંટણી (કૈરાના-નુરપુર)માં ભાજપની વિરૂદ્ધ ‘મહાગઠબંધન’ની જીતે આ પ્રયાસને વધુ તેજ કર્યો છે. તેનું પરિણામ છે કે શુક્રવારના રોજ કર્ણાટકમાં ગઠબંધનની સરકારમાં સામેલ કૉંગ્રેસ અને જેડી(એસ)એ હવે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પણ સાથે લડવાની જાહેરાત કરી છે. શુક્રવારના રોજ કર્ણાટકમાં મંત્રાલયોની ફાળવણી થઇ. તેની સાથે જ કૉંગ્રેસ અને જેડી(એસ)એ સાથે મળીને પત્રકાર પરિષદમાં ૨૦૧૯ની ચૂંટણી સાથે લડવાની જાહેરાત કરી દીધી.
ગઠબંધન સરકારના મુખ્યમંત્રી કુમારસ્વામી અને કૉંગ્રેસ મહાસચિવ કે.સી.વેણુગોપાલે સંયુકત પત્રકાર પરિષદમાં કહ્યું કે કેબિનેટ વિસ્તાર અને પોર્ટફોલિયાની વહેંચણીને લઇ અમે (કૉંગ્રેસ અને જેડીએસ) નિષ્કર્ષ કાઢી લીધું છે. નાણાં વિભાગ જેડી-એસની પાસે જ રહેશે. હવે બધું જ નક્કી થઇ ચૂકયું છે. કૉંગ્રેસ અને જેડી(એસ) આવતા વર્ષે ૨૦૧૯માં થનાર લોકસભા ચૂંટણીમાં એક સાથે ચૂંટણી લડશે.
કૉંગ્રેસની પાસે ગૃહ, રેવન્યુ, સ્વાસ્થ્ય, કૃષિ જેવા મહત્વના વિભાગ રહેશે. બંને પાર્ટીઓની વચ્ચે નાણાં વિભાગને લઇ રસ્સાકસી ચાલી રહી હતી. સૂત્રોના મતે કુમારસ્વામીએ નાણાં વિભાગ પોતાની જ પાસે રાખવાની માંગણી કરી હતી. જેને હવે કૉંગ્રેસે માની લીધી છે.
ગઠબંધન મંત્રીમંડળનું વિસ્તરણ આવતા સપ્તાહે ૪ કે ૫ જૂનના રોજ થઇ શકે છે. કુમારસ્વામીએ નવા મંત્રીઓના શપથ ગ્રહણની તારીખો પર ચર્ચા માટે રાજભવનમાં રાજયપાલ વજુભાઇ વાળાને મળ્યા. ૨૩મી મેના રોજ આ નવી સરકારના શપથ ગ્રહણ દરમ્યાન કુમારસ્વામીની સાથે માત્ર પરમેશ્વરને ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. કુમારસ્વામીએ ૨૫મી મેના રોજ જ વિધાનસભામાં પોતાની સરકારની બહુમતી સાબિત કરી દીધી હતી.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ગઠબંધન પર ભાજપના હાથમાંથી સત્તાની ખુરશી ખેંચાયા બાદ કૉંગ્રેસ અને જેડી(એસ)એ આગામી લોકસભા ચૂંટણીમાં ગઠબંધનની અંતર્ગત મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે.
યુપીની કૈરાના લોકસભા અને નુરપુર વિધાનસભા સહિત દેશની ૧૪ સીટો પર થયેલ પેટાચૂંટણીના પરિણામોએ જયાં ભાજપની ચિંતા વધારી દીધી છે, ત્યાં વિપક્ષને પણ કેટલાંય સંકેત અને સંદેશ આપી દીધા છે. એવામાં આવતા ત્રણ-ચાર મહિનામાં તમામ પોત-પોતાના રાજકીય ઘરોને દુરસ્તા કરવામાં લાગી જશે અને આ કોશિષમાં કેટલાંય દાવ-પેચ જોવા મળી શકે છે.

Contribute Your Support by Sharing this News: