ગરવી તાકાત;- કડી.  અગાઉની અદાવત રાખી આધેડ ઉપર છરી અને ધારીયાથી હુમલો થયાની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ પંથકના ખેડૂતની દીકરીએ સ્થાનિક યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હોઇ યુવકના કુટુંબીજનોએ અદાવત રાખી યુવતિના પિતાને રોક્યા હતા. જે બાદમાં માથાના ભાગે ધારીયુ અને આંગળીઓમાં છરીના ઘા માર્યા હતા. આ સાથે લાકડીઓ વડે હુમલો કરતાં ખેડૂતને ગંભીર ઇજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા છે. સમગ્ર મામલે ખેડૂતે ચાર ઇસમ સામે બાવલુ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

મહેસાણા જીલ્લાના કડી તાલુકાના વેકરા ગામે ખેડૂત પર હુમલાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. ગામના વણકરવાસમાં રહેતાં દશરથભાઇ વણકર ઉપર ગામના જ ઇસમોએ જીવલેણ હુમલો કર્યો છે. અગાઉ તેમની પુત્રીએ પ્રેમલગ્ન કર્યા હોઇ તેની અદાવત રાખી ગામના સેનમા દિનેશભાઇ શકરાભાઇ, સેનમા બળદેવભાઇ દેવાભાઇ, સેનમા ચિરાગભાઇ અને સેનમા દેવાભાઇ ગગાભાઇ સહિતનાએ તેમની પર હુમલો કર્યો છે. 20 એપ્રિલે રાત્રીના ખેડૂત ગામમાં જતાં હોઇ તેમને માથાના ભાગે ધારીયા, આંગળીના ભાગે છરી અને હાથ ઉપર લાકડીથી હુમલો કરતાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા.સૂત્રોએ જણાવ્યું હતુ કે, અગાઉ ખેડૂતની પુત્રીએ પ્રેમલગ્ન કર્યા હોઇ તેની અદાવતમાં આ હુમલો થયો હોવાનું સામે આવ્યુ છે. 20 એપ્રિલે રાત્રે હુમલો થયા બાદ ખેડૂતે બૂમાબૂમ કરતાં તેમના પત્નિ અને ભાઇ દોડી આવતાં ઇસમોએ તેમને પણ માર માર્યો હતો. ઘટના બાદ ખેડૂતને તાત્કાલિક કડીની સોહમ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે ખેડૂતે ગામના જ ચાર ઇસમો સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. પોલીસે ચારેય સામે આઇપીસી 307, 325, 504, 506(2), 114 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.