ભાભર માર્કેટયાર્ડમાંથી મોટર સાયકલની ચોરી
બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા વાહન ચોરીના બનાવોને લઈ લોકોમાં ફફડાટ ફેલાયો છે તેમાં જિલ્લાના ભાભર એ.પી.એમ.સી ખાતેથી એક મોટર સાયકલ ચોરાઈ જતા આ બાબતે ભાભર પોલીસ મથકે ફરીયાદ નોંધાવા પામી છે. આ બનાવમાં વેનાભાઈ રાવતાભાઈ પટેલ નામના રામપુરા(ધુણસોલ),તા.દિયોદર વાળાનું મોટર સાયકલ તેઓએ માર્કેટયાર્ડમાં આવેલ પ્રભુજી નગાજીની પેઢી સામે મુકેલ હોઈ ત્યાંથી કોઈ ઈસમ ચોરી કરી લઈ જતા આ બાબતે તેઓએ નોંધાવેલી ફરીયાદ આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ખૂણીયા પાસે ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત
અમીરગઢ તાલુકાના ખૂણીયા પાસે ટ્રેક્ટર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈક પર સવાર બે ને ઈજાઓ થતા આ બાબતે અમીરગઢ પોલીસ મથકે ફરીયાદ નોંધાવા પામી છે. જે બનાવની વિગત એવી છે કે અમીરગઢ નજીક આવેલા ખૂણીયા ચાર રસ્તાથી કોરોના હોટલ તરફ જતા માર્ગમાં હાઈવે રોડ પરથી પસાર થઈ રહેલ એક ટ્રેક્ટરના ચાલકે રોંગસાઈડમાં પોતાનું વાહન હંકારીને ત્યાંથી પસાર થઈ રહેલ મોટર સાયકલને ટક્કર મારી માવાભાઈ તથા થાવરાભાઈ નામના બાઈક સવારોને ઈજાઓ પહોંચાડતા ટ્રેક્ટર ચાલક સામે ફરીયાદ નોંધાવા પામી છે.
દાંતામાં એ.ટી.એમથી કોઈએ ૮૦ હજાર ઉપાડી લીધા
દાંતાના રસુલપુરામાં રહેતા રસુલભાઈ અલજીભાઈ માણસીયાએ દાંતા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે દાંતા સ્ટેટ બેન્કના ખાતામાંથી ગત તા.૩૦ માર્ચના રોજ રૂ.ર૦ હજાર બે વખત મળી કુલ રૂ.૪૦ હજાર તથા ૩૧ માર્ચના રોજ રૂ.૪૦ હજાર ઓનલાઈન અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી લેતા આ બાબતે રસુલભાઈએ દાંતા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે તેમની ફરીયાદ આધારે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અંબાજી ગબ્બર પાસેથી જુગાર રમતા ચાર ઝડપાયા
અંબાજી ગબ્બર પાર્કીંગ આગળ રોડ પર જાહેરમાં જુગાર રમાતો હોવાની માહીતી આધારે પોલીસે છાપો મારતા જુગાર રમતા જયપ્રકાશભાઈ અંબાલાલ શેઠી (રહે.આરાસુરી સોસાયટી) તથા પર્વતસિંહ જયસિંહ સરદાર (રહે.ગબ્બરવાળી હોટલની બાજુમા અંબાજી) તથા દિનેશકુમાર બધાજી બુંબડીયા (રહે.જય અંબે સોસાયટી, અંબાજી) તથા મુકેશભાઈ મગનજી રાઠોડ (રહે.જૈન  ભવનની પાછળ,અંબાજી) વાળાને હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા રોકડ રૂ.૪૭૦૦ તથા ત્રણ મોબાઈલ સહિત રૂ.૬૭૦૦ ની મતા સાથે ઝડપી લીધા હતા.
અમીરગઢમાં બદલી બાબતે ધમકી આપ્યાની ફરીયાદ
અમીરગઢમાં શિક્ષણ ક્ષેત્રમાં ફરજ બજાવતા અનિતાબેન પટેલ કે જેઓ મૂળ વાંકાટીબાના વતની છે તેઓએ વિનોદભાઈ તરાલ (નોકરી રબારીયા પ્રા.શાળા) તથા કમલેશભાઈ પટેલ (નોકરી ડાભેલા પ્રા.શાળા) વાળા સામે ફરીયાદ નોંધાવી છે કે આ ઈસમોએ અનિતાબેનની બદલી ગરાસીયાપુરા(ગઢડા) શાળામાં થયેલ હોઈ જે મોકુફ રાખવાના ઈરાદે તેણીના પતિને ફોન પર જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ અમીરગઢ પોલીસ મથકે નોંધાવા પામી છે.
દિયોદરના રૈયામાં માર મારતા ફરીયાદ
દિયોદર તાલુકાના રૈયા ગામે રહેતા મહેશભાઈ ચૌધરીએ તેમના ગામના ખેતાભાઈ જાષી, જયંતીભાઈ જાષી, ગંગારામભાઈ જાષી સામે ફરીયાદ નોધાવી છે તેમાં જણાવ્યુ છે કે આ ઈસમોએ ફરીયાદી મહેશભાઈના ઘરે આવીને કોઈ કારણ વગર બિભત્સ શબ્દો બોલી ગડદાપાટુનો માર મારી બાવડા ઉપર લાકડી મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ દિયોદર પોલીસ મથકે નોંધાવા પામી છે.
થરાદ પાસેથી પોલીસે રૂ.ર૮ હજારનો દારૂ ઝડપ્યો
થરાદની નારોલી હંગામી ચેકપોસ્ટ પર પોલીસે બાતમી આધારે ચેકીંગ હાથ ધરીને રાણપુરી ગોસ્વામી તથા જેમલભાઈ ઠાકોર (રહ.પાતીયાસરા,તા.થરાદ) વાળાને ટવેરા ગાડીમાં રૂ.ર૮ હજારનો વિદેશી દારૂ હેરાફેરી કરતા ઝડપી પાડી તેમની સામે થરાદ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.
Contribute Your Support by Sharing this News: