પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીએ ઉંઝાના ધારાસભ્ય શ્રીમતી ડૉ. આશાબેન પટેલે કોંગ્રેસમાંથી આપેલા રાજીનામા અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે, કોંગ્રેસના ધારાસભ્યપદ પરથી રાજીનામું આપવા અંગેના શ્રીમતી ડૉ. આશાબેન પટેલના હિંમતભર્યા નિર્ણયને અમે આવકારીએ છીએ. નેતૃત્વવિહિન કોંગ્રેસે સાંઠગાંઠવાળી રાજનીતિમાં લોકોને લલચાવ્યા અને ફોસલાવ્યા છે. જ્ઞાતિજાતિના નામે ભલીભોળી પ્રજા વચ્ચે હંમેશા લડાઇઓ કરાવી છે, શ્રીમતી ડૉ. આશાબેન પટેલના નિર્ણયથી કોંગ્રેસની આ નકારાત્મક રાજનીતિ આજે ફરી એકવાર ખુલ્લી પડી છે.

શ્રી વાઘાણીએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસની નેતાગીરીના આંતરકલહ, ઝગડાઓ અને વર્ચસ્વની લડાઇ તેમજ આંતરિક જૂથવાદથી કંટાળીને ડૉ. આશાબેન પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યુ છે. પ્રજાનો વિશ્વાસ ગુમાવી ચૂકેલી કોંગ્રેસ પર હવે તેનાં જ કાર્યકરો અને ધારાસભ્યોને ભરોસો નથી, જે  ડૉ. આશાબેન પટેલના પત્રની વિગતોમાં સ્પષ્ટ થઇ જાય છે. માત્ર શ્રીમતી ડૉ. આશાબેન જ નહીં પરંતુ કોંગ્રેસના અનેક ધારાસભ્યો કોંગ્રેસના જૂથવાદ અને પરિવારવાદથી કંટાળી ગયા છે, તેથી જ કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે.

Contribute Your Support by Sharing this News: