સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે હાલમાં કોરોના વાયરસની મહામારી અને લોકડાઉન વચ્ચે મકાન માલિકો અને દુકાન માલિકો ભાડા માટે ભાડુઆતોને હેરાન કરતા હોવાની વ્યાપક બુમરાણ ઉઠવા પામી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ગાઇડ લાઇન અનુસાર હાલમાં ભાડુઆતોને ભાડાના પૈસા માટે દબાણ નહીં કરવા માટે જણાવવામાં આવેલું છે. તેમ છતાં અંબાજીમાં મકાન માલિકો ભાડવાતોને ભાડા માટે પરેશાન કરતા હોવાનું અને જાણે પોલીસનો પણ ડર જ ન હોય તે રીતે બેફામ બની ગયા હોવાનું ચર્ચામાં આવ્યું છે.
કેન્દ્રના ગૃહ મંત્રાલયે ગાઇડ લાઇન જાહેર કરી સ્પષ્ટતા કરી છે કે જો કોઇ મકાન માલિક શ્રમિક અથવા વિદ્યાર્થીઓ પર ભાડાના પૈસા માટે દબાણ કરશે તો તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ આદેશનું પાલન કરવાની જવાબદારી જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા ડે.કમિશનર પર છે. તેમજ એસ.એસ.પી અને એસ.પી અથવા ડે. કમિશનર પણ આ કાયદા અંતર્ગત કાયદાકીય પગલાં ભરી શકે છે. રાજ્યમાં ભાડાની ફરિયાદને લઈને કેટલાક શ્રમિકોએ સ્થળાંતર કરી દીધું હોવાની પણ વ્યાપક રાવ વચ્ચે બનાસકાંઠા દ્વારા લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પણ મકાન માલિકો અને દુકાન માલિકો દ્વારા ભાડુઆતોને ભાડા માટે હેરાન કરવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. તેમાં મકાન માલિકો ભાડુઆતોને ધમકાવતા હોવાનું ચર્ચામા આવ્યું છે. ત્યારે શું બનાસકાંઠા જિલ્લા પોલીસવડા સરકારના આદેશોનું પાલન કરાવવા માટે આવા ભાડુઆતોને પરેશાન કરનારા માલિકો સામે પગલાં ભરશે કે કેમ ? તેવા સવાલો ઉઠવા પામ્યા છે.
અહેવાલ : જયંતી મેતિયા