ઓડીશામાં ભારે તબાહી મચાવનાર ફાની તોફાનની અસર છેક ગુજરાતમાં વર્તાઇ રહી છે. શનિવારે બનાસકાંઠાના અંબાજીમાં ફાની તોફાનના કારણે વાતાવરણ પલટાતા અંબાજીમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડયો હતો.

ઉનાળાની આકરી ગરમીમાં શેકાયા બાદ અંબાજીવાસીઓને આજે વરસાદથી રાહત મળી છે. અંબાજીમાં શનિવારે ફાની તોફાનના કારણે વાતાવરણ પલટાતા ભારે ગાજવીજ સાથે વરસાદ તુટી પડતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. તો વળી જગત નો તાત ચિંતામાં મુકાયો છે.
દક્ષિણ રાજસ્થાનમાં એક સાયક્લોનીક સિસ્ટમ સક્રિય થતા રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, રાજકોટના અમુક વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન ખાતાએ આપી છે. આ સાથે જ વાતાવરણમાં પલટો આવવાની તેમજ હળવા ઝાપટા પડવાની શક્યતા પણ હવામાન ખાતાએ દર્શાવી છે.

ઉલ્લેખની છે કે રાજ્યમાં ગઈકાલથી વાતાવરણમાં પલટો અનુભવાઈ રહ્યો છે. રાજ્યના અમરેલીમાં અને અંબાજીમાં ક્યાંક ક્યાંક હળવા ઝાપટા અનુભવાયા છે. હવામાન ખાતાની આગાહી મુજબ આ સિસ્ટમના કારણે આગામી 24 કલાક સુધી આ અસર જોવા મળી શકે છે. અંબાજીમાં છેલ્લા બે દિવસથી કાળા ડિબાંગ વાદળો છવાયા હતા જેના પગલે આજે બપોરે હળવા છાંટા વરસ્યા હતા.

Contribute Your Support by Sharing this News: