ભારતીય ક્રિકેટના શ્રેષ્ઠ ખેલાડીઓમાં જેમની ગણના થાય છે તેવા યુવરાજ સિંહે આજે ભારે મન સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. 19 વર્ષની તેમની શાનદાર કારકિર્દી આજે ખતમ થઇ છે. પોતાની નિવૃત્તિ અંગેની જાહેરાત કરતા યુવરાજ સિંહ ભાવુક થઇ ગયા હતા. તેમને આ દરમિયાન પોતાના પ્રશંસકો, સમર્થકોનો આભાર વ્ચક્ત કર્યો હતો અને સાથે એ પણ કહ્યું હતું કે તેઓ આગળ શું કરશે. યુવરાજ સિંહે કહ્યું કે, પોતાની જિંદગીનો એક લાંબો સમય ક્રિકેટને આપ્યા બાદ હવે મેં આગળ વધવાનું નક્કી કર્યું છે. તેમણે કહ્યું કે, હવે હું કેન્સરની દર્દીઓ માટે કામ કરવા જઇ રહ્યો છું અને લોકોની મદદ કરીશ.

સંન્યાસની જાહેરાત કરતાં યુવીએ કહ્યું કે, “હું નાનપણથી મારા પિતાના માર્ગે ચાલ્યો અને દેશ માટે રમવા અંગેના તેમના સપનાંને સાકાર કર્યુ. મારા ચાહકો જેઓ હંમેશા મારું સમર્થન કર્યુ હું તેમનો આભાર કઈ રીતે માનું તે સમજાતું નથી. 2011નો વર્લ્ડ કપ જીતવાનું મારું સપનું હતું, મેન ઓફ ધ સીરીઝ બન્યો તે પણ એક સપનું જ હતું. જે બાદ મને કેન્સર થયું. આ આકાશમાંથી સીધું જ જમીન પર આવવા જેવું હતું. તે સમયે મારો પરિવાર, મારા ચાહકો મારી સાથે હતા.”

2011 પછી વર્લ્ડકપ પછી તેમનું કેન્સર સામે આવ્યું હતું, જેના પછી તેઓ લગભગ બે વર્ષ કેન્સરથી લડ્યા હતા. પરંતુ પાછળથી તે ટીમમાં પરત ફર્યા હતા. કેન્સરથી બહાર આવ્યાં બાદ પછી યુવરાજ સિંહએ એક ફાઉન્ડેશન શરૂ કર્યું હતું જેને you we can નામ આપવામાં આવ્યું હતું જે કેન્સર પીડિતોની મદદ કરે છે.

યુવરાજ સિંહે પોતાની નાની સ્પીચમાં ઘણા લોકોનો આભાર માન્યો. તેઓએ ટીમના ખેલાડીઓ, પૂર્વ કપ્તાન, BCCI, પસંદગીકાર અને તેમના માતા શબનમ સિંહનો આભાર માન્યો. ઉપરાંત યુવરાજે પોતાના ગુરુઓ બાબા અજિત સિંહ અને બાબા રામ સિંહનો પણ આભાર માન્યો. ઉલ્લેખનીય છે કે યુવરાજ લાંબા સમયથી ટીમ ઇન્ડિયાથી બહાર ચાલી રહ્યા હતા, સતત ઘરેલું ક્રિકેટમાં રન બનાવ્યા પછી પણ તે ટીમમાં ભારત પાછા ફરી શક્યા ન હતા. BCCIના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે યુવરાજ ઈન્ટરનેશનલ અને ફર્સ્ટ કલાસ ક્રિકેટમાંથી સંન્યાસ લેવા અંગે વિચારી રહ્યાં છે. તેનો ઉલ્લેખ તેઓએ તેમની પ્રેસ કોન્ફરન્સમાં પણ કર્યો હતો.

બીજા સાથે સમાચાર શેર કરો.