પોલીસની સતર્કતાથી યુવકનો જીવ બચાવી લેવાયો : ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા. પાલનપુરના ડોક્ટર હાઉસ વિસ્તારમાં આવેલા એક હોસ્પિટલના ત્રીજા માળ પર ચડી એક આશાસ્પદ યુવકે મોતની છલાંગ લગાવી હતી. જો કે પોલીસની સતર્કતાથી આ યુવકનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. બનાવને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જો કે યુવકનો જીવ બચાવી લેવામાં આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

ગરવીતાકાત,બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર મથક ખાતે બનેલા આ ચકચારી બનાવની વિગત એવી છે કે પાલનપુરમાં રહેતો અને ગરીબ વર્ગના પરિવારમાંથી આવતો યુવક પાલનપુર શહેરના ડોક્ટર હાઉસ વિસ્તારમાં આવેલા એક હોસ્પિટલના ત્રણ માળના બિલ્ડિંગ પર ચડી છલાંગ લગાવવાનું કહેતા આસપાસમાંથી લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. અને બનાવ અંગે જાણ થતા ડી.વાય.એસ.પી એ.આર.ઝનકાત તથા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બિલ્ડીંગ ઉપર ચડી મોતની છલાંગ ની જીદ પકડીને ઊભેલા આ યુવકને નીચે ઉતરી જવા સમજાવ્યો હતો પરંતુ આ યુવક ટસનો મસ ન થતાં અંતે પોલીસે ઠંડી છે મોટી ચાદર પથરાવી હતી અને લોકો તેના છલાંગ લગાવવાની રાહ જોઇ ઉભા રહ્યા હતા અને તેને બચાવવા માટે પૂરતું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કેટલાક લોકો તેની આંખોથી છૂપાઈને તેને બચાવવા માટે ઉપર ચઢવા જતાં આ યુવાને એકાએક છલાંગ લગાવી દીધી હતી. આથી પોલીસના આયોજન મુજબ તે નીચે પાથરવામાં આવેલી ચાદર ઉપર પડતાં તેનો જીવ તો બચી ગયો હતો પરંતુ પોલીસ તેને પોલીસ વાનમાં બેસાડીને લઈ ગઈ હતી. આમ પાલનપુરમાં આ યુવકે ડોક્ટર હાઉસ વિસ્તારમાં ત્રણ માળની બિલ્ડિંગ પર ચડી છલાંગ લગાવતા ચકચાર મચી ગઇ હતી અને લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. જોકે તેનો જીવ બચાવી લેવાતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

પિતાએ મોબાઇલ ન લઇ આપતા પગલું ભર્યું હોવાની ચર્ચા: આજના આધુનિક યુગમાં મોબાઈલ પાછળ લોકો એટલા ગાંડા ઘેલા થયા છે કે યુવાધન તો પોતાનો મોટાભાગનો સમય મોબાઇલ પાછળ જ વેડફી નાખતુ હોય છે. ત્યારે ઉપરોક્ત બનાવમાં પણ આ યુવકે પોતાના પિતાને મોબાઈલ લઈ આપવાનું કહેતા પિતાની પરિસ્થિતિ આર્થિક રીતે નબળી હોય મોબાઇલ ન લઇ આપતા આ પગલું ભર્યું હોવાનું ટોળામાં ચર્ચાતું હતું.

બે કલાકથી ઉપર ચઢેલા યુવકે પોલીસને પણ દોડધામ કરાવી: ઉપરોક્ત બનાવમાં આ યુવક છેલ્લા બે કલાકથી બિલ્ડિંગ પર ચડી છલાંગ લગાવવાની બીક બતાવતો હતો અને પોલીસ પણ તેની પાછળ પાછળ દોડધામ કરી રહી હતી ત્યારે અંતે તેણે છલાંગ લગાવી દિધી હતી.

તસ્વીર અહેવાલ જયંતિ મેતિયા બનાસકાંઠા