આરોગ્ય કર્મચારીઓ દ્વારા રોગચાળો ન ફેલાય તે માટે ઘરે ઘરે ફરી સઘન સર્વેલન્સ હાથ ધરી જનજાગૃતિ કરવામાં આવી.

વિરમગામ તાલુકા સહિત સમગ્ર અમદાવાદ જિલ્લામાં વાહકજન્ય અને પાણીજન્ય કોઇ પણ પ્રકારનો રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિવિધ સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. વિરમગામ શહેર સહિત તાલુકામાં વાહકજન્ય કે પાણી જન્ય રોગચાળો ના ફેલાય અને લોકોને બિમારીથી બચાવી શકાય તે માટે જિલ્લા આરોગ્ય ટીમ સાથે સંકલનમાં રહીને સ્વાસ્થ્ય રક્ષણની કામગીરી શરૂ કરવામાં આવી છે.

વિરમગામ ખાતે જીલ્લા આર.સી.એચ.ઓ ડો.ગૌતમ નાયક, જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ચિં તન દેસાઇ દ્વારા મુલાકાત લઇને કામગીરીની સમીક્ષા કરી હતી. આરોગ્ય કર્મચારીઓ દ્વારા વાહકજન્ય અને પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે ગામેગામ ઘરે ઘરે ફરીને લોહીની તપાસ કરીને જનજાગૃતિ કરવામાં આવી રહી છે. આરોગ્ય કર્મચારીઓ દ્વારા જાહેર સ્થાનો પર બ્લેક બોર્ડમાં પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળાથી બચવાના ઉપાયો અંગે  લખાણ લખીને લોકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે.

વિરમગામના તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, ઝાડા ઉલ્ટી, કોલેરા, કમળો, ટાઇફોઇડ જેવા પાણીજન્ય રોગોથી બચવા માટે નળમાંથી આવતુ પાણી પ્રથમ પાંચ મિનીટ જવા દીધા પછી પીવાના ઉપયોગમાં લેવું, પાણીની ટાંકી સાફ રાખવી, પાણી ઉકાળીને પીવુ, ખુલ્લા જળસ્ત્રોતનું પાણી પીવાનું ટાળવુ, ખુલ્લો કે વાસી ખોરાક ખાવો નહિ, ક્લોરીનયુક્ત પાણી પીવુ જોઇએ.

વારંવાર સાબુથી હાથ ધોવા જોઇએ. મેલેરીયા, ડેન્ગ્યુ, ચીકનગુનીયા જેવા વાહકજન્ય રોગોથી બચવા માટે શરીરના અંગોને ઢાકી રાખે તેવા વસ્ત્રો પહેરવા જોઇએ, મચ્છરથી રક્ષણ આપતી અગરબત્તીનો ઉપયોગ કરવો, મચ્છરદાનીમાં સુવાનો આગ્રહ રાખવો જોઇએ. હવાચુસ્ત ઢાંકણવાળા વાસણમાં પાણીનો સંગ્રહ કરવો. પાણીની ટાંકી, ફુલદાની, ફ્રીજની ટ્રે, પાણીના કુંડા સહિતના પાત્રો અઠવાડીયામાં એક વખત અવશ્ય સાફ કરવા જોઇએ. પાણીજન્ય કે વાહકજન્ય રોગ જેવા કોઇ પણ લક્ષણો જોવા મળે તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે ડોક્ટરનો તાત્કાલીક સંપર્ક કરવો જોઇએ.

વંદના નીલકંઠ વાસુકિયા  વિરમગામ

Contribute Your Support by Sharing this News: