પાલનપુરમા લોકમાતા લડબી નદીના પટમાં ફરીથી દબાણો શરૂ થતાં રહીશો વિફર્યા

શેર કરવા અહીં ક્લિક કરો.
જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી આ બાબતની ગંભીર નોંધ લઈ કાર્યવાહી કરવા માંગ કરાઇ
પાલનપુર ખાતે આવેલ લોકમાતા લડબી નદીના પટમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે બાંધકામ કરી નદીના કુદરતી વહેણને અવરોધરૂપ દબાણો કરવામાં આવી રહ્યા છે. તે મામલે અગાઉ આસપાસમાં આવેલી સોસાયટીઓના રહીશોએ અભિયાન ઉપાડ્યું હતું અને લડબી નદીના પટમાં થઈ રહેલા દબાણોને દૂર કરવા માટે ઉગ્ર રજૂઆતો કરી હતી. જેને પગલે જિલ્લા વહીવટી તંત્ર અને જમીન દફતર નિરીક્ષણ કચેરી સહિતની ટીમ દ્વારા તપાસ હાથ ધરીને આ બાબતે દબાણદારોને નોટિસો પાઠવવામાં આવી હતી. પરંતુ નોટિસો પાઠવ્યા બાદ કોઇ જ કાર્યવાહી ન થતાં હવે ફરીથી નદીના પટમાં દબાણો શરૂ થઇ ગયા છે. તેમાં નદીના વહેણને અવરોધરૂપ પુરાણ કરવાની કામગીરી શરૂ થતાં આસપાસમાં આવેલી સોસાયટીના રહીશો ફરીથી વિફર્યા છે અને આ બાબતે આજે જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી આ બાબતની ગંભીર નોંધ લઇ સ્થળ તપાસ કરાવી પંચનામુ કરી કાયમી મનાઇ હુકમ આપવા રજૂઆત કરી છે.
બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર શહેરમાં આવેલ લોકમાતા લડબી નદીમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે બિલ્ડરો દ્વારા દબાણો કરી દેવામાં આવ્યા છે. પરંતુ આ દબાણો દૂર કરવાને બદલે માત્ર દબાણદારોને નોટિસો પાઠવી કામગીરી અટકાવી દેવામાં આવી હતી. ત્યાર બાદ હવે ફરીથી અહીં દબાણો શરૂ થઇ જતાં લોકો  ફરીથી રોષે ભરાયા છે. પાલનપુર હાઇવે પર આવેલી એકલવ્યનગર, ચંદ્રલોક સોસાયટી, અમનપાર્ક સોસાયટી તથા ચાણક્યપુરી સોસાયટી સહિતના રહીશો દ્વારા તેમના વિસ્તારમાં લડબી નદીમાં થઇ રહેલા ગેરકાયદેસર દબાણોને કારણે પાણી સોસાયટીમાં ભરાઇ જતું હોય વરસાદની ઋતુ સમયે ભારે નુકસાની વેઠવી પડતી હોય છે. તેવી રાવ સાથે અગાઉ પણ અનેક રજૂઆતો કરવામાં આવી હતી અને લડબી નદીના પટમાં થઈ રહેલા દબાણો દૂર કરવા અભિયાન પણ હાથ ધરાયા હતા. તેમ છતાં તંત્રએ માત્ર નોટિસો પાઠવી સંતોષ માની લેતા હવે ફરીથી અહીં દબાણોનો રાફડો શરૂ થઇ ગયો છે. લોકોના જણાવ્યા અનુસાર લડબી નદીના કુદરતી વરસાદી વહેણને અવરોધરૂપ માટી પુરાણ કરી ગેરકાયદેસર બાંધકામ થવાથી દીવાલો આડશ થતાં વોટર લોગીગ થવાથી પાણી બ્રેક મારતા તેમની સોસાયટીના ઘરોમાં પાણી ભરાઈ જવાથી ઘરવખરી તેમજ માલ મિલકતને લાખોનું નુકસાન વેઠવું પડે છે. અને આ વખતે પણ તેઓને નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના છે. લડબી નદીના કુદરતી વરસાદી વહેણને અવરોધ થતા ભૂતકાળમાં લોકોને ભારે હાડમારી તેમજ ભારે નુકસાન વેઠવું પડ્યું છે. તેમ છતાં સ્થાનિક સત્તામંડળ દ્વારા કાર્યવાહી હાથ નહીં ધરાતાં ના છૂટકે નામદાર હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરવાની લોકોને ફરજ પડી હતી. લગભગ ૨૨ જેટલી સોસાયટીના રહીશો દ્વારા વારંવાર આવેદનપત્રો આપી લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. લેખિત આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે શહેરી વિકાસ અધિનિયમની કલમનો અહીં ભંગ થાય છે. વરસાદી વહેણ કે નદી વિસ્તારના પ્રવાહના તટથી ૧૫ મીટર સુધીના વિસ્તારમાં બાંધકામ કે માટી પુરાણ કરી શકાય નહીં. છતા સ્થાનિક વિકાસ સત્તામંડળની મિલીભગતથી બિલ્ડર દ્વારા ગેરકાયદેસર બાંધકામ પુરાણ થઈ રહ્યું છે. તે તાત્કાલિક તપાસ કરાવી સ્થળ સ્થિતિ મુજબ પંચનામુ કરી કાયમી મનાઇ હુકમ આપવા રજૂઆત કરવામાં આવી છે. તે ઉપરાંત જમીન દફ્તર નિરીક્ષક કચેરીની માપણી સીટમાં દર્શાવેલ નોંધ સમજૂતીની ચોકસાઈ કરવી તેમજ નગર નિયોજક કચેરી તેમજ એએચઆઇ ઓથોરિટીનો અભિપ્રાય તપાસ કરવા અને રેરાની મંજૂરીના કાગળોની તપાસ કરવા તેમજ કલેકટર કચેરીના જમીન શાખા દ્વારા આપવામાં આવેલી મંજૂરીની તપાસ કરવા તેમજ સ્થાનિક સત્તામંડળ દ્વારા મંજૂર કરવામાં આવેલા પ્લાનની તપાસ કરવા અને સ્થળ સ્થિતિ મુજબ તપાસ કરાવી શરતો અને નિયમોનું પાલન કરવામાં આવેલ છે કે કેમ તેના પંચનામા સાથે સ્પષ્ટ અભિપ્રાય મેળવી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. આમ પાલનપુરની લડબી નદીમાં થઇ રહેલા ગેરકાયદેસર દબાણો ફરીથી વિવાદમાં આવ્યા છે અને આ બાબતે લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી છે. ત્યારે વહીવટી તંત્ર આ બાબતે પગલાં લેશે કે પછી ફરી ભીનું સંકેલી દેવાશે તેવા સવાલો ઉઠ્યા છે.
શેર કરવા અહીં ક્લિક કરો.