ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના ખંભીસર ગામે અનુસૂચિત જાતિના સમાજના યુવક જયેશ ડાહ્યાભાઈ રાઠોડનો ૧૨મી મે રવિવારે લગ્ન હોવાથી તેનો વરઘોડો ગામમાં ફરવાનો હોવાથી ગામમાંથી વરઘોડો ન કાઢવા અંગે પટેલ સમુદાયના લોકો સાથે વિવાદ થયો હતો જેથી પોલીસ રક્ષણ સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો વરઘોડો ગામમાંથી ન નીકળે તે માટે ગામલોકોએ રસ્તામાં ઠેર ઠેર યજ્ઞ યોજતા ત્રણ-ચાર વાર રસ્તો બદલવાની ફરજ પડી હતી.
ખંભીસર ગામની મહિલાઓએ અનુ.જાતિ યુવકનો વરઘોડો ગામમાંથી ન નીકળેની મક્કમતા સાથે મહિલાઓ જાહેરમાર્ગ પર રામધૂન બોલાવવા બેસી જતા પોલીસ મૂક પ્રેક્ષક બનતા અને અંધારું થતા બંને સમાજના લોકો વચ્ચે ઘર્ષણ ઉગ્ર સ્વરૂપ પકડાતા બંધ સ્ટ્રીટ લાઈટનો ફાયદો ઉઠાવી અનુ.જાતિના યુવકના વરઘોડા પર પથ્થરમારો થતા વરઘોડામાં સામેલ લોકો ઈજાગ્રસ્ત થતા અને વરરાજા ના ઘોડાને માથામાં ઇજા થતા ઘોડાનું મોત થયું હતું જે અંગે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ૪૫ વ્યક્તિઓના નામજોગ જેમાં ૧૬ મહિલાના નામ સામેલ હતા તથા ૧૫૦ લોકોના ટોળા સામે એટ્રોસિટી અને પશુવધ તેમજ પોલીસની ફરજમાં અડચણ ઉભી કરવા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
આ ઘટનાના ૯૦ દિવસ પછી ૧૬ મહિલા અને ૨ શિક્ષક પુરુષ આરોપીએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કરતા તમામ ૧૬ મહિલા આરોપીને અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં મહિલા જેલની સુવિધા ઉપલબદ્ધ ન હોવાથી તમામ ૧૬ મહિલા આરોપીઓને સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવી હતી ૨ પુરુષ આરોપીઓને મોડાસા સબજેલમાં ધકેલી દીધા હતા.
હાઈકોર્ટના વકીલ કેવલસિંહ રાઠોડના જણાવ્યા અનુસાર ખંભીસર વરઘોડા ઘર્ષણ કેસમાં અત્યારસુધી ૪૪ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે જયારે હજુ ૧ આરોપી કે જે ગામના સરપંચ છે જે નાસતા ભાગતા ફરી રહ્યા છે જેમની ધરપકડ કરવા રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાને રજુઆત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી
Contribute Your Support by Sharing this News: