વડોદરા: વડોદરા શહેર નજીક અણખોલ ગામ પાસે આવેલા શ્યામલ ગ્રીન સોસાયટીના રજીસ્ટરમાં એન્ટ્રી કરવા બાબતે સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા અને પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ચાર વિદેશી યુવાનોએ સોસાયટીના એક યુવાનને માથામાં પથ્થરમારી ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત યુવાનને વાઘોડિયા રોડ સ્થિત ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

તન્મયનાં માથામાં પથ્થર મારીને માથું ફોડી નાંખ્યું: મોડી રાત્રે મામલો બીચકતા સોસાયટીના વહીવટકર્તા તન્મય તંબોલીને વિદેશી 4 યુવાનોએ માર માર્યો હતો. જેમાં એક વિદેશી યુવાને તન્મયનાં માથામાં પથ્થર મારીને માથું ફોડી નાંખ્યું હતું. લોહીલુહાણ થઇ ગયેલા યુવાનને તુરંત જ ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. બીજી બાજુ આ બનાવ બનતા જ સોસાયટીના રહીશો ભેગા થઇ ગયા હતા. અને સોસાયટીમાં રહેતા વિદેશી યુવાનોને તત્કાલિક મકાનો ખાલી કરાવવા રહીશોએ માંગ કરી હતી.

મૂળ ઝિમ્બાબ્વેના 4 યુવાન ભાડના મકાનમાં રહે છે: વડોદરા શહેર નજીક અણખોલ ગામ પાસે આવેલી શ્યામલ ગ્રીન સોસાયટીમાં મૂળ ઝિમ્બાબ્વેના વતની ટમ્પી વેન્ડસે મોન્ટોહરી, તફડજીબા જ્યુબેલી સુમ્બા, હોપીવીવ જોવ અને વાટીડાઇશા એમ. ઝીંઝો ભાડાના મકાનમાં રહે છે. અને વાઘોડિયા ખાતે આવેલી પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. સોસાયટીમાં મોડી રાત્રે આવતા લોકો માટે સિક્યુરીટી પાસે રાખવામાં આવેલા રજીસ્ટરમાં એન્ટ્રી કરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. મોડી રાત્રે આવેલા વિદેશી યુવાનો સોસાયટીમાં આવ્યા હતા. અને સોસાયટીના રજિસ્ટરમાં એન્ટ્રી કરી ન હતી. જેથી સોસાયટીમાં રહેતા તન્મય કનુભાઇ તંબોલીએ વિદેશી યુવાનોને જણાવ્યું કે, તમે રજિસ્ટરમાં એન્ટ્રી કેમ કરતા નથી. તેમ જણાવી એન્ટ્રી કરવા માટે ફરજ પાડતા મામલો બીચક્યો હતો.

પોલીસે 4 વિદેશી યુવાનની ધરપકડની કાર્યવાહી હાથ ધરી
મોડી રાત્રે બનેલા આ બનાવ અને ઇજાગ્રસ્ત તન્મય તંબોલીએ તાલુકા પોલીસ મથકમાં હુમલો કરનાર તમામ 4 યુવાનો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

Contribute Your Support by Sharing this News: