ઊંઝાની કિશોરીનું બે વર્ષ પહેલાં કારમાં અપહરણ કરી વિવિધ સ્થળોએ ફેરવી દુષ્કર્મ આચરનારા ભાભર તાલુકાના એટા ગામના યુવકને મહેસાણા સેશન્સ કોર્ટે કસુરવાર ઠરાવી 10 વર્ષની કેદની સજા ફટકારી હતી.કિશોરી ગત 12 મે, 2107ના રોજ રાત્રે 12.30 વાગ્યે પોતાના ઘરે ઘરના સભ્યો સાથે સૂઇ ગઇ હતી અને વહેલી સવારે 4 વાગે તે ગુમ થયાની જાણ થતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. આ સમયે શંકાના દાયરામાં રહેલો અને છેલ્લા 8 મહિનાથી કિશોરીની પડોશમાં રહેતો મૂળ ભાભરના એટા ગામનો જગદીશ સુબાજી ઠાકોર પણ ઘરે નહીં હોવાનું ખુલતાં પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન જગદીશ પાસેથી મળી આવેલી કિશોરીની પૂછપરછ કરતાં જગદીશ તેને અવાર નવાર ભાગી જવાનું કહેતો હતો. બનાવના દિવસે તને ફરવા લઇ જઉં તેમ કહી કારમાં લઇ જઇ સિદ્ધપુર નજીકના ગામમાં 10 દિવસ ગોંધી રાખી દુષ્કર્મ આચર્યાનું ખુલ્યું હતું.આ કેસ મહેસાણા સ્પેશિયલ પોક્સો જજ એચ.આર. રાવલ સમક્ષ ચાલતાં સરકારી વકીલ પરેશભાઇ દવેની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે જગદીશ સુબાજી ઠાકોરને દુષ્કર્મના ગુનામાં 10 વર્ષની સજાનો હુકમ કર્યો હતો.

Contribute Your Support by Sharing this News: