ગરવીતાકાત,મહેસાણાઃ મહેસાણા અને મોડાસા બંને ગુજરાતના અલગ અલગ સ્થાનો ભલે છે પરંતુ ત્યાંની સમસ્યા એક છે, જોકે આ સમસ્યા માત્ર મહેસાણા કે મોડાસાની નહીં પરંતુ ગુજરાત ભરમાં છે જ, અને તેને નકારાતી પણનથી.

મહેસાણામાં મોઢેરા રોડ પર શનિવારે કોંગ્રેસના મહિલા કોર્પોરેટર સોનલબેન પટેલની બે દીકરીઓને ગાયએ અડફેટે લેતાં એક દીકરીને હાથે ફેક્ચર થઈ ગયું છે તો બીજી દીકરીને કાનના ભાગે ટાંકા આવ્યા છે. જ્યારે આ ઘટના બની ત્યારે કોર્પોરેટર સોનલબહેને કહ્યું કે આ સમસ્યાને નિયંત્રિત કરવા પાલિકા અને કલેકટર કચેરીમાં અમે રજૂઆત કરીશું.

મોડાસા શહેરમાં છેલ્લા કેટલાયે સમયથી રખડતી ગાયોનો ત્રાસ વધી જતાં વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેના લીધે દિવસ દરમિયાન રખડતી ગાયો શહેરના મુખ્યરોડ અને સોસાયટીના લોકોને શિંગડે ચઢાવ્યાના અનેક બનાવો બનવા છતાં નીંભર નગરપાલિકા તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી રાત્રીના સુમારે શહેરના મુખ્યમાર્ગો પર અડિંગો જમાવતા પશુધનના ધણના ટોળા ન દેખાતા અનેક વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.

મોડાસાના મુખ્ય ચાર રસ્તા,બસ સ્ટેન્ડ રોડ, માલપુર રોડ,ડીપ વિસ્તાર, મેઘરજરોડ, કોલેજ રોડ અને મોડાસાના સહયોગ બાયપાસ રોડ ઉપર રખડતી ગાયો અઢીંગા જમાવી દેતાં વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.શહેરમાં રખડતી ગાયો બાયપાસ હાઇવેરોડ ઉપર ઉભી થઇ જતાં મુંબઇ- દિલ્હીથી અવર- જવર કરતાં મોટા વાહનોના ચાલકો મોડાસા શહેરની સહયોગ ચોકડી અને મેઘરજ બાયપાસ રોડ ઉપર મોટી મુસીબતોનો સામનો કરી રહ્યા છે.

શહેરના વિસ્તારમાં અચાનક રખડતી ગાયો મોટા વાહનોની આડે આવી જતાં વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનવું પડે છે. તેમજ રખડતી ગાયોનો એટલો ત્રાસ વધી ગયો છે કે, શહેરની સોસાયટી વિસ્તાર અને ડીપ વિસ્તારમાં રાહદારીઓ અને વયોવૃદ્ધ લોકોને હડફેટે લઇને શિંગડે ચઢાવતાં શહેરની પ્રજા રખડતી ગાયોના ત્રાસથી ત્રાહિમામ્ પોકારી ઉઠયા છે.

નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર પુરોહિતના જણાવ્યા અનુસાર: મોડાસા શહેરના માર્ગો પર રખડતા પશુઓને પાંજરે પુરવાની કામગીરી હાથધરવામાં આવી છે સોમવારે શહેરના માર્ગો પરથી ૭ પશુઓને પકડી ઇડર પાંજરાપોળ મોકલી આપવામાં આવ્યા છે અને સતત રખડતા પશુઓને પાંજરે પુરવાનું અભિયાન ચાલુ રહશે પશુ માલિકનું પશુ દંડ ભર્યા પછી જ ઇડર પાંજરા પોળ માંથી પરત મેળવી શકશે તેવું જણાવાયું હતું અરવલ્લી જિલ્લામાં કે મોડાસા શહેરમાં પાંજરાપોળ ન હોવાથી મોટી મુશ્કેલીઓ સહન કરવી પડતી હોવાનું જણાવ્યું હતું.

બીજા સાથે સમાચાર શેર કરો.