અલગ અલગ મતપત્રકના વિવાદ વચ્ચે કોંગ્રેસ પણ બે ઉમેદવારોને ઊભા રાખશેકોંગ્રેસ ગૌરવ પંડ્યા અને ચંદ્રિકાબેન ચુડાસમા ઉમેદવારી નોંધાવશે

ગાંધીનગર: અમિત શાહે ગાંધીનગર બેઠક અને સ્મૃતિ ઈરાનીએ અમેઠી બેઠક પર લોકસભા ચૂંટણી જીતતા રાજીનામા આપ્યા છે. જેને પગલે રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભાજપે એક બેઠક પર કેન્દ્રિય વિદેશમંત્રી એસ જયશંકર અને બીજી બેઠક પર મહેસાણાના ઠાકોર સમાજના નેતા જુગલ લોખંડવાલા(ઠાકોર)ની પસંદગી કરી છે. આજે બંને ઉમેદવારો સાડા 11 વાગ્યે ઉમેદવારી નોંધાવશે. જ્યારે કોંગ્રેસ પણ પોતાના બે ઉમેદવારોને પેટાચૂંટણીમાં ઉતારશે. જેમાં એક બેઠક પર ગૌરવ પંડ્યા અને બીજી બેઠક પર ચંદ્રિકાબેન ચુડાસમા ઉમેદવારી કરશે. ઉલ્લેખનીય છે કે પેટાચૂંટણીને અલગ યોજવા માટે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે.

રાજ્યસભા મોકલવાની ગણતરી શું છે: ગુજરાતમાંથી રાષ્ટ્રીય નેતાને રાજ્યસભામાં મોકલવાનું ચલણ છે. અગાઉ અરુણ જેટલી, સ્મૃતિ ઇરાની પણ ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયા હતા. એટલે આ વખતે વિદેશમંત્રી જયશંકરને ઉતારાયા છે. વિદેશ સચિવ રહી ચૂકેલા જયશંકર અમેરિકાના રાજદૂત પણ રહી ચૂક્યા છે. વિદેશ નીતિના નિષ્ણાત ગણાય છે. બીજીબાજુ અલ્પેશ ઠાકોર માટે હવે આ નવો પડકાર ઊભો થશે કારણ કે ઉત્તર ગુજરાતમાંથી જ ઠાકોર સમાજનું એક મજબૂત નેતૃત્વ જુગલના નામે ઊભું થશે. જુગલ ઠાકોર ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ સંસ્થાના પ્રમુખ છે. જુગલના પિતા મથુરજી કોંગ્રેસમાં હતા. લોખંડનો વ્યવસાય હોવાથી લોખંડવાલા અટક અપનાવી છે.

જુગલ સમાજના સેવક અને દાનેશ્વરી: જુગલ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે અને સાથે ઠાકોર સમાજના મૂક સેવક અને દાનેશ્વરીની છાપ ધરાવે છે. ભાજપના આંતરિક સૂત્રોએ જાણકારીને સમર્થન આપતાં જણાવ્યું કે જૂગલ લોખંડવાલા મૂળે ભાજપના પાયાના કાર્યકર્તા છે અને પ્રદેશના ઓબીસી મોરચામાં મંત્રી તરીકે કાર્યરત છે. તેઓએ ક્યારેય કોઇ માગ કરી નથી બલ્કે પક્ષના આદેશોનું તેઓ પાલન કરતા આવ્યા હોવાથી તેમની વફાદારીનો આ રીતે બદલો આપવામાં આવ્યો છે.

વિધાનસભામાં હાલના સંખ્યાબળને આધારે ભાજપ રાજ્યસભાની બે પૈકી એક જ બેઠક જીતી શકે છે, પરંતુ, ચૂંટણી પંચે બે બેઠકો માટે એક મતત્રકને બદલે બંને બેઠકોના અલાયદા મતપત્રકો આધારિત ચૂંટણી જાહેર કરતા આ પ્રક્રિયાને કોંગ્રેસે સુપ્રિમમાં પડકારી છે. મંગળવારે સવારે સુપ્રિમ કોર્ટમાં તેની સુનવણી યોજનાર છે. સુપ્રિમ કોર્ટ આ પ્રક્રિયા આધારિત ચૂંટણી પંચના નોટિફિકેશન સંદર્ભે શું વલણ દાખવે છે તેના પર સૌની નજર છે.

રાજ્યસભાની પેટાચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: રાજ્યસભાની બે ખાલી પડેલી બેઠકો માટે યોજાઇ રહેલી પેટાચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ભાજપ તરફથી પહેલા ઉમેદવાર તરીકે કેન્દ્રીય વિદેશમંત્રી એસ જયશંકરનું નામ પહેલેથી જ નક્કી હોવાથી તેમનું નામાંકન રજૂ કરશે. જ્યારે બીજા ઉમેદવાર પણ આ સાથે જ પોતાનું નામાંકન દાખલ કરશે. કોંગ્રેસ પણ એક ઉમેદવારને મેદાનમાં ઉતારે તેવી વકી છે. આ ચૂંટણી માટે મતદાન ગુજરાત વિધાનસભામાં પાંચમી જૂલાઇના રોજ યોજાશે.

Contribute Your Support by Sharing this News: