સુઇગામ નજીક પેટ્રોલપંપ પાસે રવિવારે ટ્રેલર અને મારુતિ વચ્ચે અકસ્માત થતાં મારુતિ ચાલક નું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ સાથે બાજુમાં બેઠેલ યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેને લઇ ટ્રેઇલર ચાલક વિરુદ્ધ સુઇગામ પો.સ્ટે,ફરિયાદ નોંધાઇ છે.બનાસકાંઠા જિલ્લાના સુઈગામ નજીક હાઇવે રોડ પર પેટ્રોલપંપ નજીક મારુતિ કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા મારુતિ ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. ટ્રેલરના ચાલકે ગફલતભર્યું ડ્રાંઇવિંગ કરી રોંગ સાઈડમાં જઈ મારુતિને જોરદાર ટક્કર મારતાં મારુતિ ચાલક (રમેશભાઈ) રામસિંગભાઈ દુદાજી રાજપૂત નું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. કારમાં બાજુમાં બેઠેલ ભમરજી ભૂરાજી રાજપૂત ને ગળાના ભાગે ગંભીર ઈજાઓ અને હાથે ફેક્ચર થતાં તત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા.સૂત્રોએ જણાવ્યું હતું કે, અકસ્માત સર્જીને ટ્રેલર ચાલક બનાવ સ્થળેથી નાસી છૂટ્યો હતો.બનાવના પગલે આજુબાજુથી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા. સમગ્ર મામલે સુઇગામ ના મહેન્દ્રકુમાર સાદુલજી રાજપુતે ટ્રેઇલર ચાલક વિરુદ્ધ સુઇગામ પો.સ્ટે,ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.