રાજસ્થાન તરફથી આવી રહેલી કાર પર શંકા જતાં પોલીસે રોકાવી તલાસી લેતા ભાંડો ફૂટ્યો 
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે ધાનેરા પોલીસે પેટ્રોલિંગ કામગીરી દરમિયાન દારૂ ભરેલી ગાડી સાથે ત્રણ ઈસમોને ઝડપી લીધા હતા. જેમાં ગાડીની તલાશી લેવામાં આવતા ગાડીમાંથી એક પિસ્તોલ પણ મળી આવતાં પોલીસે દારૂ અને પિસ્તોલ સહિત આ ત્રણેય શખ્સોની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ધાનેરા પોલીસ સરહદી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન મગરાવા ત્રણ રસ્તા પાસે રાજસ્થાન તરફથી આવી રહેલી હુન્ડાઈ કંપનીની ગાડી જે શંકાસ્પદ જણાતા પોલીસે તેને રોકી હતી અને તેની તલાસી લેતાં ગાડીમાં બેઠેલા ઈસમોની પૂછપરછ કરતા ઈસમો ગલ્લાતલ્લા કરવા લાગ્યા હતા. તે  બાદ પોલીસે ગાડીની તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો અને તે બાદ ગાડીમાંથી એક પિસ્તોલ પણ મળી આવી હતી. જેથી ધાનેરા પોલીસે ગાડી, પિસ્તોલ, દારૂ સહિત ત્રણેય આરોપીઓને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્યારે તો ધાનેરા પોલીસે આ ઇસમો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પરંતુ દારૂ અને પિસ્તોલ ક્યાંથી લાવ્યા હતા  અને ક્યાં લઈ જવાતા હતા તે તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. આમ, બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ ગાડીને રોકાવી તલાસી લેતાં તેમાંથી દારૂ અને પિસ્તોલ મળી આવતા પોલીસે ગાડીમાં સવાર ત્રણ શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની મહામારી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં પોલીસ દ્વારા સઘન ચેકીંગ કામગીરી ચાલી રહી છે. ત્યારે ધાનેરામાં પોલીસે દારૂ ભરેલી ગાડી સાથે સાથે પિસ્તોલ પણ મળી આવતા બનાવ સંદર્ભે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.