ચાણસ્મા રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મોઢેરા નજીક પુષ્પાવતી નદી ઉપર અંદાજિત રૂ.૧૩ કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાની કામગિરી અંતિમ તબક્કામાં છે.પુલનું બાંધકામ ચાલતુ હોવાથી હાલમાં ડાયવર્જન આપી મોઢેરાથી પશ્ચિમ દિશા તરફના ગામોના વાહન વ્યવહારનું સંચાલન થઈ રહ્યું છે. ચોમાસુ નજીક છે ત્યારે સત્વરે આ પુલનું કામ ઝડપભેર પુરું કરવામાં આવે તો આ વિસ્તારના આશરે ૧પ જેટલા ગામોને ઓવરબ્રિજનો લાભ મળી શકે તેમ છે.

મોઢેરા નજીકથી પસાર થતી પુષ્પાવતી નદી ઉપર કોઝવેને બદલે ઓવરબ્રિજ બનાવવાની લોકોની વર્ષો જુની માગણી રાજ્ય સરકાર દ્વારા સંતોષવામાં આવી છે. અગાઉ નદીમાં પૂર આવવાના કારણે આ વિસ્તારના પંદર કરતાં પણ વધારે ગામો પ્રભાવિત થતા હતા.અગાઉ નદી પાર કરવા જતાં કેટલાક લોકોએ પાણીમાં તણાઈ જવાથી જીવ ગુમાવ્યા હોવાના બનાવો પણ ભૂતકાળમાં બન્યા છે. આઝાદીના ૭૦ વર્ષના વ્હાણા વીત્યા બાદ મીઠીધારીઆલ ગ્રામ પંચાયત દ્વારા પુલ બનાવવાની માગણી નહીં સંતોષાય તો સમગ્ર ગામે ચુંટણીનો સામુહિક બહિષ્કારનું એલાન આપ્યું હતું. જેને પગલે સફાળા જાગેલી ગુજરાત સરકારે આ નદી ઉપર અંદાજીત રૂ.૧૩ કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાની મંજુરીની મ્હોર મારી હતી.

આ કામના કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા એકાદવર્ષથી પુલ બાંધવાની પ્રક્રિયા ચાલી રહી છે અને આ કામ પુરું થવાની તૈયારીમાં છે. ચોમાસા આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સત્વરે આ પુલનું બાંધકામ પૂર્ણ કરી ચોમાસા પહેલાં આ પુલને વાહન વ્યવહાર માટે પ્રજાને સમર્પિત કરવામાં આવે તો મોઢેરાથી પશ્ચિમ દિશા તરફથી ૧પ જેટલા ગામોને તેનો સીધો લાભ મળી શકે તેમ છે

Contribute Your Support by Sharing this News: