માતા-પિતાના છુટાછેડા અટકાવવા કોર્ટની મુદતે આવેલા પુત્રની દોઢ કલાકની સમજાવટ

ગરવીતાકાત મહેસાણાઃ પતિએ માર માર્યાની પત્નીએ નોંધાવેલી ફરિયાદ કેસમાં મહેસાણા કોર્ટમાં જુબાની આપવા પહોંચેલા પુત્રએ કોર્ટની મંજૂરીથી માતા, પિતા વચ્ચેના મતભેદ દૂર કરવા અને છુટાછેડા અટકાવવા લગભગ દોઢ કલાક સુધી મથામણ કરી હતી. જેમાં દોઢ મહિના દરમિયાન ભાડે મકાન રાખીને માતાને લઇ જવાનું સમાધાન થયું હતું. ઉલ્લેદનીય છે કે, મહિલાએ તેના પતિને છુટાછેડા નહીં આપવા પુત્ર પાસે મકાન, કપડાં અને મહિને એક હજાર રૂપિયા આપવાની શરત મૂકી હતી.

મહેસાણાની મહિલાએ 30 વર્ષના લગ્નજીવન દરમિયાન દારૂ પીને માર મારતાં પતિથી કંટાળી 5 વર્ષ પૂર્વે પતિ સામે ગુનો નોંધાવ્યો હતો. જે કેસ હાલમાં મહેસાણા જ્યુડિશિયલ જજ એસ.આર. બટેરીવાલાની કોર્ટમાં ચાલવા પર હોઇ મંગળવારે મહિલાનો પુત્ર જુબાની આપવા કોર્ટમાં આવ્યો હતો. ઉલટ તપાસ દરમિયાન યુવકે મા-બાપ વચ્ચે છુટાછેડા થતાં અટકાવી તેમને એક કરવા પ્રયાસ કરવા માંગતો હોવાનું કહી કેટલોક સમય માંગ્યો હતો. જેમાં કોર્ટે વકીલોને સાથે રાખી સમાધાનનો માર્ગ ખુલ્લો કરી આપ્યો હતો.

જેને પગલે વકીલ લોકેશ જૈન, બીના પ્રજાપતિ અને જવનીકા ગોસ્વામીની હાજરીમાં યુવકે તેની માતાને દોઢ કલાક સુધી સમજાવી પિતા સાથે રહેવા સમજાવટ કરી હતી, પરંતુ દારૂ પીને પતિ દ્વારા મરાતો અસહ્ય માર હવે સહન કરવાની તૈયારી નથી તેમ કહી મહિલા પુત્ર સામે રડી પડી હતી. જ્યારે સામે પક્ષે યુવકે હું પુત્ર તરીકે ફરજ બજાવું છું, તમે પણ તમારી ફરજ બજાવો. હું માત્ર તમને સાથે જોવા માગું છું, બાકી જીવન જરૂરિયાતના સામાનથી માંડી ઘર રાખવા સુધીની તમામ જવાબદારી મારી તેમ કહીને માતાને પિતા સાથે રહેવા સમજાવતાં આખરે દોઢ મહિનામાં અમદાવાદમાં ઘર શોધી માતાને લઇ જવાનો નિર્ણય લેવાયો હોવાનુ જાણવા મળ્યું હતું.

વકીલ લોકેશ જૈન અને બીના પ્રજાપતિએ કહ્યું કે, મહિલાએ પોતાનું મકાન, સવાર અને સાંજ સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા જઇશ, 12 મહિનામાં 12 જોડી કપડાં અને રૂ.એક હજાર ખર્ચના આપવાની પુત્ર સામે શરત મૂકી હતી, જે તમામ જવાબદારી ઉઠાવવા પુત્રએ તૈયારી બતાવી હતી.