વડગામના પરખડી ગામના વિધવા બહેને પાંચ લાખનું માતબર દાન આપ્યું 

ગમ્યું તો આગળ શેર કરો.

પાલનપુર : સામાજિક સમરસતા અને વ્યસનમુક્ત સમાજના નિર્માણ માટે પાલનપુરના આંગણે આગામી તા. ૨ થી ૪ મે-૨૦૨૦ દરમ્યાન મા અર્બુદા રજત મહોત્સવની ભવ્ય ઉજવણી- ૧૦૮ કુંડી સહસ્ત્રચંડી મહાયજ્ઞનું આયોજન શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ, પાલનપુર દ્વારા કરવામાં આવ્યું છે. અર્બુદાધામ, આદર્શ વિધાસંકુલ, ડેરી રોડ, પાલનપુર ખાતે યોજાનાર આ સહસ્ત્રચંડી મહાયજ્ઞમાં લોકો ઉત્સાહપૂર્વક દાનની સરવાણી વહાવી રહ્યા છે. મા અર્બુદા રજત મહોત્સવમાં લોકોનો ઉત્સાહ ખૂબ જ વધી રહ્યો છે. આ મહાયજ્ઞમાં વડગામ તાલુકાના પરખડી ગામના વિધવા બહેન સૂરજબેન સરદારભાઇ વળાગાંઠે રૂ. પાંચ લાખનું માતબર દાન આપી મા અર્બુદા પ્રત્યેની અતૂટ શ્રધ્ધ પ્રગટ કરી છે. સમાજની એક વિધવા બહેનનું આ દાન સમગ્ર સમાજના લોકો માટે પ્રેરણાદાયી પગલું છે. શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળના પ્રમુખ કેશરભાઈ ભટોળે વિધવા બહેન સૂરજબેનના ઘરે જઈને માતાજીનો ખેસ પહેરાવીને તેમને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરીભાઇ ચૌધરી, શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળના પૂર્વ પ્રમુખ પરથીભાઇ ભટોળ, મહામંત્રી શામળભાઇ કાગ, અખિલ આંજણા મહાસભાના પ્રમુખ વિરજીભાઇ જુડાલ, ફલજીભાઇ ભટોળ સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

ગમ્યું તો આગળ શેર કરો.