મધ્યપ્રદેશ માં ધોરણ ૧૦ માં વોચમેનના છોકરાએ કાઠું કાઢ્યું.

શેર કરવા અહીં ક્લિક કરો.

વૉચમેનના પુત્ર આયુષમાન તમરાકરે 500માંથી 499 ગુણ મેળવીને ધોરણ-10ની પરીક્ષામાં પ્રથમ નંબર મેળવ્યો છે. મધ્ય પ્રદેશમાં ધોરણ-10ની બોર્ડની પરીક્ષાના જાહેર થયેલા પરિણામમાં ટોચનું સ્થાન મેળવનાર બે વિદ્યાર્થીઓમાંથી એક વૉચમેનનો પુત્ર છે. આયુષમાન તમરાકર મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં આવેલી ગવર્નમેન્ટ એક્સેલન્સ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. આયુષમાને 500માંથી 499 ગુણ મેળવીને પ્રથમ નંબર મેળવ્યો છે. આયુષમાનના પિતા વિમાન તમરાકર એક કોમ્યુનિટી સેન્ટર ખાતે વૉચમેનની નોકરી કરે છે, જ્યારે તેની માતા રોજમદાર છે. પોતાના પુત્રએ આવી સિદ્ધિ હાંસલ કરી હોવાથી વિમન તમરાકર ખૂબ ખુશ છે. પોતાની સિદ્ધિ વિશે વાત કરતા આયુષમાન કહે છે કે, “હું સોશિયલ મીડિયાથી હંમેશા દૂર રહું છું. કારણ કે આપણે સોશિયલ મીડિયા સાથે ગમે ત્યારે જોડાઈ શકીએ છીએ પરંતુ હંમેશા અભ્યાસ કરી ન શકીએ. આથી જ મેં અભ્યાસને પ્રાથમિકતા આપી હતી.” સાથે જ આયુષમાને કહ્યું કે તે આગળ અભ્યાસ કરીને એન્જીનિયર બનવા માંગે છે. જોકે, આયુષમાનની માતા તેના પુત્રના ભવિષ્યના લઈને થોડી ચિંતિત છે. તેણી કહે છે કે, “અમે તેના અભ્યાસનો ખર્ચ કેવી રીતે ઉઠાવીશું? કારણ કે અમને દૈનિક જીવનનિર્વાહ ખર્ચ ઉઠાવવામાં પણ આંખે પાણી આવી જાય છે.” પોતાના પરિવારની મદદ માટે આયુષમાન પણ ઘર નજીક આવેલી એક દુકાનમાં સહાયક તરીકે કામ કરે છે. ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશ બોર્ડે બુધવારે ધોરણ-10નું પરિણામ જાહેર કર્યું હતું.

શેર કરવા અહીં ક્લિક કરો.