સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના જાદર મુકામે તા. ૯મી સપ્ટેમ્બર  ભાદરવી સુદ અગિયારસના રોજથી ભગવાનશ્રી મુઘણેશ્વર મહાદેવનો  ત્રિ-દિવસીય લોકમેળાને સાબરકાંઠા-અરવલ્લી સાંસદશ્રી દિપસિંહ રાઠોડે ખુલ્લો મુક્યો હતો જેમાં ઇડરના ધારાસભ્યશ્રી હિતુભાઇ કનોડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગરવીતાકાત,સાબરકાંઠા: આનંદ અને ઉત્સાહથી મનોરંજન માણવા લોકસમાજે લોકોત્સવની રચના કરી છે. આ લોકત્સવમાં લોકસંસ્કૃતિના દર્શન સાથે ભક્તિમય વાતાવરણ અને અનેક લોકોને રોજગારી મળી રહે છે. વર્ષોથી આ મેળાઓ ભારતની ભાતીગળ  લોકસંસ્કૃતિને પ્રદર્શિત કરવાની સાથે જાળવણીનુ કામ પણ કરી રહ્યા છે. આ મેળામાં આસપાસના વિસ્તારના લોકો નાતજાતના ભેદભાવ વગર મોટી સંખ્યામાં ભાગ લે છે.આ મેળો સામાજિક સમરસતા મેળો પણ છે. ત્રણ દિવસ ચાલનારા આ મેળામાં અબાલ વૃધ્ધ સૌ કોઇ ઉત્સાહથી ભાગ લે છે.

જાદર મેળાની વિશેષતા અને તેનો ઇતિહાસ જોઇએ તો ઘણા વર્ષો પહેલાની વાત છે. ઇડર નગરની બાજુમાં આવેલ જાદર ગામ ઉજ્જડ અને વેરાન સ્થળ. તે સમયમાં અહિના લોકો પશુપાલન કરતા અને આ ગામની આજુબાજુ ગોવાળિયા ગાયો ચરાવવા જતા ત્યારે એક ગોવાળિયાની ધ્યાને આવ્યું કે તેની એક ગાય રોજ દૂધ નથી આપતી તેણે લાગ્યું કે કોઇ દૂધ દોહિ લેતુ હશે કે વાછરડૂ દૂધ પી જતુ હશે. બીજા દિવસે એને એ ગાયનુ ધ્યાન રાખ્યું તો જંગલમાં ખીજડાના ઝાડ જોડે ગાય ઉભી હતી તેણે ખાસ ધ્યાન ન આપ્યું આ ઝાડ નીચે સાપનો વિશાળ રાફળો હતો. એ દિવસે પણ ગાયે દૂધ ન આપ્યું એટલે બીજા દિવસે ગોવાળિયાએ ખાસ ધ્યાન આપ્યું તો તેને જોયું કે ગાય રાફડા જોડે જાય છે તો એની મેળે તેના આંચળમાંથી દૂધની ધારાઓ છુટે છે જે દૂધ રાફળામાં રહેલા નાગદેવતા પીતા હતા.

આ સમયે મુઘલશાસકોનો ત્રાસ હતો તેઓ ગાયો ચોરી ગયા અને ઓછુ હોય તેમ જંગલમાં આગ લગાવતા ગયા. જંગલ સળગતા નાગ દેવતા તાપ સહન ન થતા ખીજડાના ઝાડ પર ચડી ગયા તેજ સમયે ગામના ચાર-પાંચ યુવાનો ગાયોનુ રક્ષણ કરવા જતા હોય છે ત્યારે ખીજડાના વૃક્ષમાંથી અવાજ આવ્યો “આ અગ્નિના ત્રાસમાંથી બચાવો, હે વીર યુવાનો તમો મારી વ્હારે આવો” આ સાંભળી વીર યુવક મુધવે પોતાની ઢાલ સામે ધરી અને નાગદેવ સરકીને ઢાલ પર આવ્યા. મુધલે ઢાલ માથે ચડાવી નાગદેવનુ રક્ષણ કરી નિર્ભય જગ્યાએ રાખ્યા. નાગદેવે ત્યારે કહ્યું હે વીર નર મારા પ્રાણ તમે બચાવ્યા તેથી હું તમારો આભાર માનુ છું તમે આજે ગાયોની વ્હારે આવી એક મહાન કાર્ય કર્યું છે તમે મને બચાવ્યો છે તેથી તમારો અંત આ ઉજ્જડ વનમાં થશે. આ સાંભળી યુવાનો દુ:ખી થયા. ગાયોનુ રક્ષણ કરવામાં અમારો અંત થશે. આ જોઇ નાગદેવતા કહે તમે મને જીવન દાન આપ્યું છે તેથી હું તમને શ્રી મહાદેવનુ શિવરૂપ મહાપદ આપું છું.તમે જંગલમાં શિવરૂપ જાદર ગામમાં સ્વંયભૂ તરીકે પૂજાશો અને તમારાથી કોઇપણ સર્પનુ ઝેર ઉતરી જશે. તમારી નામના જગતના દૂર-દૂર પ્રદેશોમાં ફેલાશે.

આજે આ મંદિર ગાયોને બચાવનાર મુધવના નામ પરથી મુધ્રણેશ્વરના નામે પસિધ્ધ છે. સ્વંયભૂ શિવલિંગ તરીકે મુધ્રણેશ્વરની અનોખી ઓળખ છે. ભાદરવા સુદના બીજા સોમવારથી ત્રણ દિવસ સુધી અહીં ભવ્ય મેળો ભરાય છે.

તસ્વીર અહેવાલ દિગેશ કડીયા હિંમતનગર

બીજા સાથે સમાચાર શેર કરો.