ઘરનો મોટાભાગનો સામાન બળીને ખાખ થઇ ગયો નડિયાદમાં પુત્રના કરતૂતથી માતા આઘાતમાં સરી પડી

નડિયાદ: નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ગીતાંજલી સોસાયટી પાસે રહેતા એક યુવકે ગાડી લેવાની જીદ્દમાં ઉશ્કેરાઇને, નશાની હાલતમાં પોતાના જ ઘરમાં આગ લગાડી દેતાં ચકચાર મચી છે. નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલ જ્યોતિ સોસાયટીમાં રહેતા મીનાબેન અસારીનો પુત્ર નિશાંત છેલ્લા થોડા દિવસથી ગાડી છોડાવવાની જીદ્દ કરતો હતો. દોઢ લાખ રૂપિયાની ગાડી મામલે માતા સાથે રકઝક કરતો નિશાંત ગુરૂવારે સવારે ઉશ્કેરાઇ ગયો હતો. નિશાંત નશામાં હોવાથી તેણે માતા સાથે તકરાર બાદ ઘરમાં આગ લગાડી દેતાં, ગણતરીની મિનીટોમાં જ ઘરની બે રૂમોમાં આગ પ્રસરી ગઇ હતી. તુરંત જ આ મામલે નડિયાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં, ટીમ પહોંચી હતી. જોકે તે પહેલા જ સ્થાનિકો દ્વારા આગ પર પાણીનો મારો ચલાવીને કાબુમાં લેવામાં આવી હતી. પરંતુ આગની આ ઘટનામાં ઘરનો મોટાભાગનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો. નશામાં ધમાલ કરી રહેલા નિશાંતને પોલીસે પકડી લોકઅપમાં ધકેલી દીધો હતો.

દોઢ લાખ રૂપિયાની ગાડી માંગતો હતો: હું અત્યારે કાંઇ કહી શકવાની સ્થિતીમાં નથી. દોઢ લાખની ગાડી માંગતો. બસ મને ગાડી છોડાવી આપો. હું ગૃહિણી છું, વિધવા છું. ક્યાંથી છોડાવી શકું.’- મીનાબેન અસારી, માતા.

પોલીસમથકમાં પણ લવરી ચાલુ હતી: નિશાંત નશામાં એટલો ધૂત હતો કે પોલીસને પણ તે સરખા જવાબ આપી શકતો ન હતો. પોલીસના સવાલોના તે વાહિયાત જવાબ આપતો હોવાથી પોલીસે તેની પૂછપરછ પણ ટાળી હતી.

પિતા ચેરિટી કમિશનર હતા: નિશાંતના પિતા ચેરીટી કમિશ્નર હતા અને છેલ્લે પોરબંદરથી તેઓ નિવૃત્ત થયા હતા. 3 વર્ષ અગાઉ માર્ચ મહિનામાં તેમનું મૃત્યું થયું હતું. નિશાંત અને તેના માતા એકલા જ રહેતા હતા. નિશાંતના લગ્ન થયા હતા પણ મનમેળ ન થતાં છૂટાછેડા લીધા હતા.