પાલનપુરમાં જાહેરમાં થુંકનાર વ્યક્તિઓને ૩૦ હજારનો દંડ

શેર કરવા અહીં ક્લિક કરો.

પાલનપુર : ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા દ્વારા કોરોના વાયરસને ખાળવા માટે જાહેરમાં થુંકનાર વ્યક્તિ પર નજર રાખી દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં બે દિવસમાં રૂ.૩૦ હજારનો દંડ ફટકારવામાં આવતા જાહેરમાં ગંદકી કરનાર વ્યક્તિઓમાં ફફડાટ પ્રસરી       ગયો છે. દેશભરમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. જેને પગલે ગુજરાત સરકાર દ્વારા આગોતરા પગલાં ભરતા શાળા-કોલેજોમાં રજા જાહેર કરી મલ્ટીપ્લેક્સ, જિમ સહિત ના થીયેટરો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દરમિયાન, પાલનપુર નગરપાલિકા દ્વારા પણ જાહેરમાં થુંકનાર વ્યક્તિ પાસેથી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. નગરપાલિકાના ચિફ ઓફીસર સતિષ પટેલ અને ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ આર.કે.પરમારની સુચનાથી સ્ટાફના કર્મચારીઓ દ્વારા પાલનપુર શહેરમાં વોચ રાખી જાહેરમાં થુંકનાર વ્યક્તિને ઝડપી તેની પાસેથી દંડ વસુલ કરવામાં આવી રહ્યો છે. જેમાં બે દિવસમાં રૂ.૩૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમજ આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.જેથી પાલિકા દ્વારા લોકોને પણ જાહેરમાં ગંદકી ન કરવા સુચન કરવામાં આવ્યુ છે.

શેર કરવા અહીં ક્લિક કરો.