ગરવીતાકાત,અરવલ્લી: બે વર્ષ અગાઉ સદસ્ય દીઠ ૧૦ બાંકડાનો ઠરાવ માત્ર ચોપડે સામાન્ય સભામાં તાલુકા પંચાયતના નવીન મકાનનો ઠરાવ થયો પણ કામ થયું નથી

બાયડ તાલુકા પંચાયતના કામો જાણે ટલ્લે ચઢ્યા હોય તેમ બે વર્ષ અગાઉ પંચાયતના તમામ સદસ્યોની સર્વાનુમતીથી થયેલ ઠરાવો પણ જાણે માત્ર ચોપડે હોય તેમ કામો ખોરંભે ચઢ્યા છે. બાયડ તાલુકા પંચાયતે જિલ્લાકક્ષાએ પણ થયેલ ઠરાવો હેઠળ કરવાના કામો અંગે ફાઈલ સબમીટ કરાવી છે. જ્યારે અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીએ આ ઠરાવો મુજબ મંજૂરી પણ આપી દીધી છે છતાં કામો ટીડીઓ કક્ષાએથી અટક્યા છે. બાયડ તાલુકા પંચાયતમાં બાંકડાના ઠરાવો અને પંચાયતનું હાલનું મકાન નોનયુઝ કરી નવું મકાન બાંધવા માટેના સર્વાનુમતે થયેલા ઠરાવો અને ડીડીઓની મંજૂરી બાદ પણ કામ આગળ ન વધતાં કોકડું ક્યાં ગુંચવાયું છે તે અંગે તર્ક વિતર્ક ચાલી રહ્યા છે.

આ અંગે મળતી માહિતી મુજબ બાયડ તાલુકા પંચાયતના અધીકારીઓનો વહીવટી કુશળતાના અભાવને કારણે તાલુકાના વિકાસના કામો ટલ્લે ચડ્યા છે તેવું ચર્ચાઈ રહ્યું છે. અગાઉ મનરેગામાંથી સમાજ કલ્યાણની આવાસ યોજનાના  લાભાર્થીઓને 90 દીવસની રોજગારી આપવાથી વંચિત રાખવામાં આવ્યાં હતા તેવો કિસ્સો બહાર આવ્યો હતો. તેની સાથે સાથે હાલ બાયડ તાલુકા પંચાયતની વહીવટી કામગીરીના અમલીકરણના અભાવે તાલુકા પંચાયતના કામો ખોરવાયાં છે તથા સરકારની વિવિધ યોજનાઓ બાયડ તાલુકામાં આવી અમલીકરણ કરવામાં ધીમી પડી જાય છે. મળેલ માહીતી મુજબ બે વર્ષ અગાઉ તા.15/3/17 ની સામાન્ય સભામાં ઠરાવ નં 37 થી સ્વંભડોળમાંથી બાયડ તાલુકા પંચાયતના સદસ્ય દીઠ 10 બાંકડાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. જેની વહિવટી મંજુરી તથા કારોબારીમાં બહાલી મળવા છતાં તે કામનું અમલીકરણ કરવામાં તાલુકા વિકાસ અધીકારીને રસ નથી.

તા. 15/3/17ની સામાન્ય સભામાં ઠરાવ નં 34 માં તાલુકા પંચાયતનું મકાન નોનયુઝ કરી નવિન મકાન બનાવવા માટેની રજુઆતનો ઠરાવ થયેલ હોય તેમ છતાં આજ દીન સુધી આ બાબતે તાલુકા પંચાયતના નવિન મકાન માટેની દરખાસ્ત વિકાસ કમિશ્નરમાં અને સરકારમાં મોકલવામાં આવેલ નથી જેને કારણે આ વર્ષમાં બાયડ તાલુકા પંચાયતના નવિન મકાનની મંજુરી મળેલ નથી.

તત સમયના તાલુકા પંચાયતના પ્રમુખ રાધાબેન કુબેરસિંહ ચૌહાણ અને સદસ્યો દ્વારા સર્વાનુમતે કરેલ ઠરાવો બાદ પણ હજુ આ કામો ખોરંભે ચઢેલા છે. જો આ કામો સમયસર કરવામાં આવ્યાં હોત તો જીલ્લાની બીજી કચેરીઓની જેમ બાયડ તાલુકામાં પણ નવિન તાલુકા પંચાયત મકાન વિવિધ અદ્યતન સુવિધા ધરાવતું મંજુર થઈ બનીને લોકોને ઉપયોગી થઈ શક્યું હોત.

તાલુકા પંચાયતના સતાધારી પદઅધીકારીઓ દ્વારા અવાર નવાર સામાન્યસભા તથા કારોબારીમાં રજુઆત કરવા છતાં અધીકારીઓના મનસ્વી વર્તનના કારણે આ વિકાસના કામો ખોરંભે પડેલ છે. ત્યારે વિકાસની હરણફાળ ભરી રહેલ અરવલ્લી જિલ્લાના કેટલાક તાલુકાઓના વિકાસ માટે ઉચ્ચ અધિકારીઓ શું પગલા ભરે છે તે જોવું રહ્યું.

બાયડ તાલુકા પંચાયતના પ્રમુખ શું કહે છે ?: આ અંગે બાયડ તાલુકા પંચાયતના પ્રમુખ અલ્પેશભાઈ પટેલ સાથે ટેલીફોનીક વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે તાલુકા પંચાયતના સદસ્યો દ્વારા સર્વાનુમતે કરાયેલ ઠરાવો મુજબ સદસ્ય દીઠ ૧૦ બાંકડા અને તાલુકા પંચાયતના મકાનને નોનયુઝ જાહેર કરી નવું મકાન બનાવવા માટેની મંજૂરી માટે જિલ્લાકક્ષાએ ડીડીઓને રજૂઆતો કરી હતી. આ રજૂઆતોને ડીડીઓએ તો મંજૂરી આપી દીધી છે પરંતુ હજુ સુધી વારંવારની રજૂઆતો બાદ પણ તાલુકા વિકાસ અધિકારીએ કોઈ પગલાં આગળ ભર્યા નથી. આ અંગે ટીડીઓને જિલ્લાકક્ષાએથી સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે પણ હજુ સુધી બાંકડા માટે કે તાલુકા પંચાયતના નવીન મકાન બનાવવા માટે ટેન્ડરીંગ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી નથી.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

બીજા સાથે સમાચાર શેર કરો.