વહેલી સવારે વલસાડના નંદાવાલા હાઈવે પર એક  અકસ્માત સર્જાયો છે. અમદાવાદથી બેંગલોર જતી ખાનગી ટ્રાવેલ્સ બસ અને ટ્રક પુર ઝડપે અથડાતા આ અકસ્માત થયો હતો. આ ઘટનામાં એવું જાણવા મળી રહ્યું છે કે ટ્રક ડિવાઈડર કૂદીને ખાનગી લકઝરી બસ સાથે અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં 20 મુસાફરો ઘાયલ થયાના અહેવાલ મળી રહ્યા છે. ઘાયલોને તાત્કાલિક વલસાડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી બાજુ પોલીસ અને આસપાસના લોકોએ ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યૂ કામગીરી આરંભી હતી.

આજે વહેલી સવારે સુરત વલસાડના નંદાવાલા હાઈવે પર અમદાવાદથી ખાનગી ટ્રાવેલ્સની લકઝરી બસ બેંગલોર તરફ જઈ રહી હતી, ત્યારે ગુંદલાવ ચોકડી પર  મુંબઈ તરફથી એક ટ્રક પૂરપાટ ઝડપે ડિવાઈડર કૂદીને ખાનગી લકઝરી બસ સાથે પુર ઝડપે  અથડાઈ હતી. જેમા ટ્રકના ડ્રાઈવરને અચાનક ઝોકું આવી જતાં ટ્રક ડિવાઈડર કુદાવી રોંગ સાઈડમાં બસ સાથે અથડાઈ હતી. જેના પગલે લકઝરી બસ અને ટ્રકમાં સવાર 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.

આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને પોલીસ દોડી આવી હતી. બાદમા 108ની મદદથી તમામ ઈજાગ્રસ્તોને વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે  ખસેડવામાં આવ્યા હતા.

Contribute Your Support by Sharing this News: