ગરવીતાકાત,તારીખ:૧૯

ગોરેગામમાં એક એક્ઝિબિશન સેન્ટરમાં ઑસ્ટ્રેલિયાથી એક આર્કિટેક્ટ જોડાવા આવ્યો હતો, પરંતુ ટૅક્સીમાં પ્રવાસ કરતી વખતે લાખો રૂપિયાનો સામાન ધરાવતી બૅગ તે ટૅક્સીમાં જ ભૂલી ગયો હતો. આથી આર્કિટેક્ટ ખૂબ ચિંતામાં મુકાઈ ગયો હતો અને તેણે પોલીસની મદદ માગી હતી. આથી પોલીસે પણ સતર્કતા દેખાડી અને તાત્કાલિક તેની લાખો રૂપિયાનો સામાન ધરાવતી બૅગને શોધી કાઢી એને સુપરત કરતાં આર્કિટેક્ટ ખૂબ જ આનંદિત થઈ ગયો હતો.

આ બનાવ વિશે માહિતી આપતાં વનરાઈ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઈસ્પેક્ટર ગિતેન્દ્ર ભાબસરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘૧૫ નવેમ્બરના અૅડમ જૅક્સન નામના ઑસ્ટ્રેલિયામાં રહેતાં એક નિવાસીએ વનરાઈ પોલીસ સ્ટેશનમાં પોતાની બૅગ વિશે ફરિયાદ નોંધાવી હતી. તેણે કોલાબાથી ટૅક્સી પકડી હતી અને ગોરેગામ-ઈસ્ટમાં આવેલી હોટેલમાં ઉતર્યો હતો. એથી અમે કોલાબાના ટૅક્સી ડ્રાઈવરની પૂછપરછ કરી હતી. તેમ જ ગોરેગામની હોટેલના સીસીટીવી કૅમેરા પણ તપાસ કર્યા હતા. કૅમેરાના ફુટેજમાં ટૅક્સી અને તેના નંબર દેખાઈ આવ્યા હતા. એથી પોલીસે ટૅક્સીના નંબર પરથી ટૅક્સી વિશે બધી માહિતી ભેગી કરી હતી. જો કે માહિતીમાં ડ્રાઈવરનું એડ્રેસ મળ્યું હતું અને પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી પરંતુ ત્યાં ડ્રાઈવર ટ્રેસ થયો નહોતો.

એથી પોલીસની ટીમે કોલાબા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. કોલાબા પોલીસની મદદથી અમે ડ્રાઈવરને ટ્રૅસ કરી શક્યા હતા. પોલીસે ડ્રાઈવર પાસેથી મળેલી બૅગમાંથી ૧૦ લાખ ૬૫ હજાર રૂપિયાની કિંમતનો સામાન જેમાં લૅપટૉપ, કૅમેરા, લૅન્સ, રોસ કંપનીની ઘડિયાળ મળી આવી હતી. બૅગ શોધીને એડમ જૅક્સનને પાછી આપતાં તે ખૂબ જ ખુશ થઈ ગયો હતો.’