ગરવીતાકાત,બનાસકાંઠા: કાંકરેજ તાલુકામાં તાલુકા પંચાયત ના કોંગ્રેસ ના પ્રમુખ વર્ધીલાલ મકવાણા સામે થોડા દિવસો પહેલા અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ હતી.ત્યારે આજ રોજ કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ ની ચુંટણી યોજાઈ છે. કોંગ્રેસમુક્ત ભારત ના સપના ને ભાજપ સાકાર કરતું હોય તેવું ફલિત થઇ રહ્યું છે. માત્ર દેશમાં કે રાજ્યમાં નહીં પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ હવે કોંગ્રેસના સદસ્યો ભાજપનો ખેસ ધારણ કરી કોંગ્રેસ સામે બંડ પોકારી રહ્યા છે. કાંકરેજ તાલુકા પંચાયત કે જે કોંગ્રેસ શાસિત હતી તેમાં આજે ભાજપ સત્તા સ્થાને આવી છે.

બનાસકાંઠા જિલ્લા ના કાંકરેજ તાલુકા પંચાયત માં આજે પ્રમુખ માટે ચૂંટણી યોજાઇ હતી. થોડા દિવસ અગાઉ કોંગ્રેસના પ્રમુખ સામે આવેલી અવિશ્વાસની દરખાસ્ત સર્વાનુમતે મંજુર થઇ હતી. જે બાદ આજે પ્રમુખની ચૂંટણી યોજાતા ભાજપ સત્તા સ્થાને આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કાંકરેજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ ને સ્પષ્ટ બહુમતી મળી હતી.

પરંતુ તેમ છતાં કોંગ્રેસમાંઆંતરિક કલહ ના કારણે તેઓ સત્તા ટકાવી શક્યા નહીં. અગાઉ પણ અનેકવાર કાંકરેજ તાલુકા પંચાયતમાં ભંગાણ થાય તેવી વાતો વહેતી થઇ હતી. પરંતુ આજે કોંગ્રેસના સદસ્યોએ પક્ષ વિરોધી મતદાન કરી ભાજપને સત્તા સ્થાને લાવ્યા છે. આજે યોજાયેલી ચૂંટણીમાં કુલ 30 સદસ્યો પૈકી 19 સદસ્યોએ ભાજપ તરફે જ્યારે 11 સદસ્યોએ કોંગ્રેસ તરફે મતદાન કરતા કાંકરેજ તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. કાંકરેજ તાલુકા પંચાયત માં કોંગ્રેસ ને 21 સદસ્યો સાથે સ્પષ્ટ બહુમતી હતી. તેમ છતાં આજે ભાજપ સત્તા સ્થાને પોહચ્યું છે.

મોહંમદ ઉકાણી કાંકરેજ, બનાસકાંઠા