વડોદરા અને ડીસામાં કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ઈન્ટર્નશિપ કરવા આવેલા ઓસ્ટ્રેલિયન ચાર ડોકટરોને કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણ દેખાતા તેમને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. જે ઓસ્ટ્રેલિયન ડોક્ટરોમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાયા છે તે તમામ ધુળેટીના દિવસે ગેર રમવા પણ ગયા હતા. જેના કારણે મારવાડી ગેર નૃત્યમાં ગયેલા અન્ય લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે.

વિશ્વમાં કોરોના વાયરસના કહેરને લઈને ફડફડાટ છે. હવે ગુજરાતમાં પણ કોરોના વાયરસના શંકાસ્પદ કેસો સામે આવી ગયા છે. બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો અત્યાર સુધી વિદેશથી આવેલા 240 જેટલા લોકોને અંડર ઓબ્ઝર્વેશન રાખવામાં આવ્યા હતા. જેમાંથી 200 જેટલા લોકોના રિપોર્ટ નેગેટીવ આવતા તેઓ સ્વસ્થ સાબિત થયા છે. પરંતુ 40 જેટલા લોકો હજુ પણ આરોગ્ય વિભાગના અંડર ઓબ્ઝર્વેશન છે. સૌથી મહત્વની બાબત એ છે કે 5 માર્ચે ડીસાની ભણસાલી હોસ્પિટલમાં ઈન્ટર્નશિપ કરવા આવેલા ઓસ્ટ્રેલિયન ચાર ડોક્ટરોને શરદી-ખાંસી અને તાવ જેવાં લક્ષણો દેખાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું. ચાર ડૉક્ટરને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા અને તેના રિપોર્ટ માટે બ્લડ સેમ્પલ બી.જે. મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા છે. આ ચાર ડોક્ટરો ડીસાની ભણસાલી હોસ્પિટલમાં ઇન્ટર્નશિપ અર્થે આવ્યા હતા. પરંતુ હોસ્પિટલ દ્વારા આરોગ્ય વિભાગને જાણ ન કરતા હોસ્પિટલની પણ નોટિસ આપવાની કાર્યવાહી આરોગ્ય વિભાગે હાથધરી છે. ઓસ્ટ્રેલિયન ડોક્ટરો ડીસાના મારવાડી ગેર નૃત્યમાં પણ ભાગીદાર બન્યા હતા અને અનેક લોકોના સંપર્કમાં આવ્યા હતા. આ ઓસ્ટ્રેલિયન ડોક્ટરોના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયન ડોક્ટરોને કોરોના વાયરસ પોઝીટિવ છે કે નેગેટિવ તેને લઈને તેમના સંપર્કમાં આવેલા લોકો અત્યારે ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. જોવાનું એ રહેશે કે ઓસ્ટ્રેલિયન ડોક્ટરોને જે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે તેના રિપોર્ટમાં શું બહાર આવે છે. તો બીજી તરફ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મનીષ ફેન્સીએ જણાવ્યું કે, ઓસ્ટ્રેલિયાથી આવેલા 4 ડોક્ટરોને કોરોનાના શંકાસ્પદ લક્ષણ દેખાતા તેમને સારવાર માટે આઇસોલેશન વોર્ડમાં રખાયા છે.

વડોદરામાં 65 વર્ષના વૃદ્ધમાં કોરોના વાયરસના લક્ષણ દેખાતા સયાજી હોસ્પિટલના તબીબોમાં દોડધામ મચી જવા પામી છે. વિનોદ પટેલ નામના એક વૃદ્ધ અમેરિકા પ્રવાસથી પરત પોતાના વતન કરજણ ફર્યા હતાં. તે દરમિયાન તેમનામાં ખાંસી, શરદી અને તાવના લક્ષણો જોવા મળ્યા હતા. જેથી તેમને પ્રાથમિક સારવાર અપાઇ. પરંતુ વૃદ્ધમાં કોરોનાના લક્ષણો વધુ જાણતા આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. સાથે જ વૃદ્ધ વિનોદ પટેલના સેમ્પલ લઈ અમદાવાદની લેબમાં મોકલી આપવામાં આપ્યા છે. તબીબો હવે રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ વૃદ્ધની વધુ સારવાર કરવામાં આવશે. વૃદ્ધ સિવાય કરજણ પાસે આવેલી ટીબીઈએ કંપનીમાં કામ કરતી ચીની મહિલામાં પણ તાવ, ખાંસી અને શરદીના લક્ષણો સામે આવતા તેને પણ સયાજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. ચીની મહિલા અને તેનો પતિ કંપનીમાં કામ કરે છે. મહિલા  પતિ લખનઉથી દિલ્હી બાદ ઘરે પરત ફરતા પત્નીમાં કોરોનાના લક્ષણો જોતા જ હોસ્પિટલ લઈને દોડી આવ્યો હતો. હાલમાં તબીબોએ ચીની મહિલાના સેમ્પલ લઈ અમદાવાદની લેબોરેટરીમાં મોકલવાની કામગીરી હાથ ધરી છે.

Contribute Your Support by Sharing this News: