સુરત સહિત દેશભરને હચમચાવી દેનારી તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાને આજે એક માસ પૂર્ણ થયો છે. ત્યારે એક મહિના બાદ પણ પોતાના વહાલસોયા સંતાનોને ગુમાવનારા માતા-પિતા આઘાતમાંથી બહાર આવ્યા નથી. એક માસ બાદ તક્ષશિલા આર્કેડમાં કેટલીક દુકાનો પણ શરૂ થઈ ગઈ છે.

પરંતુ માસૂમ બાળકોની ચિચિયારીઓ આજે પણ લોકો ભૂલી શક્યા નથી. તંત્રની અને બિલ્ડરની બેદરકારીને કારણે 22 જેટલા માસૂમ વિદ્યાર્થીઓ આગમાં હોમાઇ ગયા હતા. ત્યારે મૃતક બાળકોને ન્યાય મળે તે માટે તેના પરિવારજનો આજે પણ ઝઝૂમી રહ્યા છે. એક મહિનામાં તપાસના નામે નાના અધિકારીઓને ઝડપવામા આવ્યા છે. જ્યારે જવાબદાર મોટા અધિકારીઓને તપાસનાં દાયરાથી દૂર રહ્યા છે.

વિદ્યાર્થીઓનાં માતા-પિતા પણ માંગ કરી રહ્યા છેકે, ડીજીવીસીએલ અને ફાયરના કર્મચારીઓ સામે સદોષ માનવવધનો ગુનો દાખલ કરવામાં આવે. તક્ષશીલા આર્કેડ બહાર માસૂમ વિદ્યાર્થીઓની યાદ આજે પણ કાયમ જોવા મળી રહી છે. અહીં બાવીસ મૃતક વિદ્યાર્થીઓની તસવીરો મુકવામાં આવી છે. દુર્ઘટના માટે તંત્રના જવાબદાર અધિકારીઓને કડક સજા થાય તેવી માંગણી સ્થાનિકો કરી રહ્યા છે.